બજેટ 2023: બજેટની શેરબજાર પર શી થશે અસર?

અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામનને બજેટ રજૂ કરવા આડે થોડા દિવસો રહ્યા છે. બજેટની અસર હંમેશાં શેરબજાર પર થાય છે. બજેટમાં કોન્સોલિડેશન પર ભાર રહેશે. સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં મૂડીરોકાણ પર ભાર મૂકવામાં આવશે. સરકારનું ધ્યાન રોજગાર નિર્માણની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી એક્સેસ અને સુવિધાઓની ઉપલબ્ધતા પર હશે, એમ વૈશ્વિક બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેન્લીએ જણાવ્યું હતું. બધી જાહેરાતો પછી માર્કેટ પર શી અસર થશે, એને માટે મોર્ગન સ્ટેન્લીએ જણાવ્યું હતું કે એની ચાલ સરકારના રાજકોષીય ખાધ, ખર્ચની યોજનાઓ અને લોંગ ટર્મ કેપિટલ ગેન્સ પર ટેક્સમાં ફેરફારથી નક્કી થશે. બજેટના દિવસે માર્કેટમાં ભારે ઉતાર-ચઢાવ રહી શકે છે.

બજારમાં વોલેટિલિટી રહે એવી શક્યતા છે. સરકાર ખર્ચ પર ભાર આપશે તો FMCG અને ઇન્ડસ્ટ્રિયલ શેરો સારું પર્ફોર્મ કરી શકે છે. જો સરકાર લોંગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સમાં અથવા તો હોલ્ડિંગ પિરિયડને 12 મહિનાથી 2-3 વર્ષ કરીને અથવા ટેક્સ રેટ 10 ટકાથી 15 ટકા કરીને વધારો કરે તો શેરો માટે એ નકારાત્મક હશે.

છેલ્લાં 30 વર્ષોનો રેકોર્ડ જોઈએ તો શોર્ટ ટર્મમાં બજેટની બજારમાં અસર ઓછી થાય છે. જોકે 2019 પછી બજારમાં વોલેટિલિટી વધી છે અને 2022માં એ 11 વર્ષની ઊંચાઈએ હતી. જૂના ડેટા જોઈએ તો જાન્યુઆરીમાં બજારમાં તેજી થાય તો 80 ટકા ચાન્સ છે કે બજેટ પછી એ ઘટે છે. છેલ્લાં 30 વર્ષોમાં માત્ર બે વાર એવું થયું છે કે બજેટ પહેલાં અને બજેટ પછી –બંને સમયે માર્કેટ મજબૂત થયું છે. બજેટની અસર માર્કેટ પર થોડા સમય માટે રહેશે, પછી ફેડ કે ક્રૂડની કિંમતો અને અન્ય મુદ્દા બજારની ચાલ નક્કી કરશે, એમ મોર્ગન સ્ટેન્લીએ કહ્યું હતું.