સરકારે નાના નિકાસકારો માટે ઓછા પ્રીમિયમે વીમાનું વધુ કવચ પૂરું પાડનારી યોજના લાવવાનો પ્રસ્તાવ બજેટમાં રજૂ કર્યો છે. દેશમાંથી નિકાસ ઘટી રહી છે એવા સમયે આ યોજના સમયસરની હોવાનું નિકાસ ઉદ્યોગનું કહેવું છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને શનિવારે બજેટમાં જાહેર કરેલી આ યોજનાને ‘નિર્વિક’ એટલે કે ‘નિર્યાત ઋણ વિકાસ યોજના’ નામ આપ્યું છે.
તેમણે બજેટના ભાષણમાં કહ્યું હતું કે નિકાસ માટે વધુ ધિરાણ આપી શકાય એ માટે આ યોજના લાવવામાં આવી રહી છે, જેમાં દાવાની પતાવટ માટેની કાર્યપ્રણાલી સરળ હશે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એક્સપોર્ટ ક્રેડિટ ઇન્સ્યૉરન્સ સ્કીમ નામની યોજના પણ લાવવા માટેનું કાર્ય કરી રહ્યું છે, જેમાં મુદ્દલ અને વ્યાજ મળીને થતી રકમના 90 ટકા સુધીની રકમ માટે વીમાનું કવચ આપવામાં આવશે.
આજની તારીખે એક્સપોર્ટ ક્રેડિટ કોર્પોરેશન 60 ટકા સુધીના નુકસાનની ભરપાઇ કરવાનો વીમો પૂરો પાડે છે.