બજેટ રાહતઃ હાશ! બેંકમાં મૂકાતી ડિપોઝીટ સામેનું વીમા રક્ષણ પાંચ લાખ સુધીનું કરાયું

(જયેશ ચિતલિયા – આર્થિક પત્રકાર)

બેંક ખાતા ધારકોને જેની ખાસ આશા હતી એ આશા ઉમ્મીદ સે જ્યાદા ફળી છે. થોડા વખત પહેલાની પીએમસી (પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓ.બેંક) બેંકની કટોકટી બાદ અનેક ખાતા ધારકોના નાણાં અટવાયા ત્યારે બેંકમાં મૂકાયેલા નાણાં કેટલા સુરક્ષિત છે એ સવાલ ઊઠયા હતા અને એ સમયે બેંકમાં મૂકાયેલી-જમા કરાયેલી રકમ કેટલી પણ હોય તેનું વીમા રક્ષણ માત્ર એક લાખ રૂપિયા જેટલું જ છે. અર્થાત બેંક ડૂબે કે નાદાર થાય તો ધારકને માત્ર એક લાખ રૂપિયા સુધીની રકમ વીમા પેટે પાછી મળતી. આ રકમ લગભગ અઢી દાયકાથી એની એ જ રહી હતી. આ વખતના બજેટમાં આ વીમા રક્ષણની રકમ વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવાઈ છે. જે અત્યારસુધી માત્ર એક લાખ રૂપિયા હતી. આ મર્યાદા રૂ. બે લાખ સુધી વધવાની ધારણા કે આશા હતી, જેની સામે નાણાં પ્રધાને પાંચ લાખ કરીને બેંક ખાતા ધારકોને મોટી રાહત આપી છે.

નોંધનીય વાત એ છે કે બેંકમાં નાણા જમા કરતા લોકોમાંથી 61 ટકા લોકોની ડિપોઝીટ એક લાખ રૂપિયાથી ઓછી હોય છે, જયારે બે લાખ રૂપિયા સુધી ડિપોઝિટ ધરાવતા લોકો 70 ટકા જેટલાં હોય છે, જેથી તેમને આ નવી ઊંચી મર્યાદાની જોગવાઈ આવે તો રાહત થશે. જો કે બેંકમાં 15 લાખ રૂપિયા સુધીની ડિપોઝીટ ધરાવનાર વર્ગની ટકાવારી 98 ટકા જેવી ઊંચી છે. જેને હિસાબે બે લાખની રકમ હજી ઘણી નાની ગણાય.