બીએસએનએલના 57,000 કર્મચારીઓ વીઆરએસ લેવા તૈયાર છે!

નવી દિલ્હીઃ બીએસએનએલના કર્મચારીઓની સંખ્યા 1.50 લાખ જેટલી છે, તેમાં લગભગ એક લાખ કર્મચારી વીઆરએસના દાયરામાં આવે છે. કંપનીને આશા છે કે લગભગ 77,000 કર્મચારી આ યોજનાનો લાભ ઉઠાવશે.એટલે કે જો આટલા કર્મચારીઓ વીઆરએસ લેવાનું પસંદ કરશે તો કર્મચારીઓની સંખ્યા અડધી થઈ જશે.

ટેલિકોમ વિભાગે બીએસએનએલના વ્યાપને ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં ટેલીફોન એક્સચેન્જની વ્યવસ્થા સરળ બનાવી રાખવા અને પરિવર્તનના સમયને સુગમ બનાવવાના ઉપાય કરવા જણાવ્યું છે. વીઆરએસ-સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાને આશરે અડધોઅડધ કર્મચારીઓ સ્વીકારી લેશે તેવી સંભાવનાઓ વચ્ચે આમ જણાવાયું છે.

ટેલીકોમ વિભાગ હાલમાં પરિવર્તન અવધિ માટેના જુદાંજુદાં વિકલ્યો પર વિચાર કરી રહ્યો છે.એક સૂત્રે જણાવ્યાં પ્રમાણે આ મુદ્દે તત્કાળ ધ્યાન આપવાની જરુર છે અને વીઆરએસના કારણે એક્સચેન્જના કામકાજ અને અન્ય કામો પર કોઇ પ્રભાવ ન પડે તે માટે બેઠકોનો દોર કરવામાં આવી રહ્યો છે.

વીઆરએસ જાહેર કરવાના ફક્ત 4 દિવસમાં જાહેર ક્ષેત્રની આ કંપનીના 57,000 કર્મચારીઓએ આવેદન ભરી દીધાં છે.એમટીએનએલ સહિત વીઆરએસ માટે આવેદન આપવાવાળા કર્મચારીઓની સંખ્યા 60,000થી ઉપર પહોંચી ગઈ છે. બીએસએનએલના કુલ દોઢ લાખ કર્મચારીઓમાંથી એક લાખ કર્મચારીઓ વીઆરએસની યોગ્યતા ધરાવે છે ત્યારે જો આટલા કર્મચારીઓ વીઆરએસ લઇ લે તો કર્મચારીઓની સંખ્યા અડધી થઈ જશે. હાલમાં મૂકાયેલી વીઆરએસ સ્વીકારવાની તારીખ 31 જાન્યુઆરી 2010 નક્કી કરવામાં આવી છે.

આ અંગે બીએસએનએલ ચેરમેને જણાવ્યું હતું કે આ મુદ્દે ચર્ચા શરુ થઈ ગઇ છે અને નિગમના કામકાજને જારી રાખવા તથા પુનર્ગઠનની યોજના બની રહી છે.અમે આંકડા લેવા શરુ કર્યાં છે અને કર્મચારીઓ ધાર્યા મુજબ વીઆરએસ લેશે તો  અમારી પાસે 80,000 કર્મચારીઓ રહેશે. આ કુલસંખ્યાની અડધી સંખ્યા હશે જેથી કાર્યસંસ્કૃતિ બદલવી પડશે.

ટેલીકોમ વિભાગના સૂત્રોનું માનીએ તો કેટલાક કામનું આઉટસોર્સિંગ કરવામાં પણ સમય લાગશે. વીઆરએસ જાન્યુઆરીથી અમલમાં આવશે તેના પહેલાં કોઇ રસ્તો કાઢવો પડશે. જે વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે તેમાં એક વિકલ્પ એ છે કે જે કર્મચારીઓ વીઆરએસ લઇ રહ્યાં છે તેમની પરામર્શદાતા તરીકે સેવા લઇ શકાય કે કેમ…ગત સપ્તાહમાં રજૂ કરાયેલી બીએસએનએલની વીઆરએસ યોજનાને 70,000થી 80,000 કર્મચારીઓ અપનાવે તો તેનાથી પગારબોજમાં આશરે 7,000 કરોડ રુપિયાની બચત થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]