બીએસઈના સાપ્તાહિક ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર ચાર-ગણું વધીને રૂ.69,422 કરોડ

મુંબઈ તા.2 જૂન, 2023: બીએસઈ દ્વારા થોડા સમય પહેલાં જ રિલોન્ચ કરાયેલા વિકલી એસએન્ડપી સેન્સેક્સ ડેરિવેટિવ્ઝના કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર ત્રીજા સપ્તાહની સમાપ્તિએ રૂ.69,422 કરોડની ઉલ્લેખનીય સપાટીએ પહોંચ્યું હતું. જેમાં ઓપ્શન્સ ટ્રેડિંગનો ફાળો નોંધપાત્ર મોટો રહ્યો છે. ઓપ્શન્સમાં રૂ.69,287 કરોડ અને ફ્યુચર્સમાં રૂ.135 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. ગયા શુક્રવારે આ ટર્નઓવર રૂ.૧૭ હજાર કરોડ ઉપર રહ્યુ હતું. એ પૂર્વેના સપ્તાહમાં રૂ. ૫૩૭ કરોડ જેટલું રહ્યું હતું. આમ એક જ સપ્તાહમાં ટર્નઓવરમાં ચાર ગણો ઉછાળો જોવાયો હતો, જે સાપ્તાહિક કોન્ટ્રેક્ટ્સમાં ટ્રેડર્સના વધતા રસની સાક્ષી પૂરે છે.

આમ ઓપ્શન્સના ટર્નઓવરમાં પાછલા સપ્તાહની એક્સપાયરીની તુલનામાં 300 ટકાનો અને ફ્યુચર્સના ટર્નઓવરમાં 373 ટકાનો વધારો નોંધાયો છે.

આ સેગમેન્ટમાં 2.54 લાખ સોદાઓમાં કુલ 11.09 લાખ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. એક્સપાયરી પૂર્વે કુલ ઓપન ઈન્ટરેસ્ટ રૂ.6,580 કરોડના મૂલ્યના 1,05,200 કોન્ટ્રેક્ટ્સની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ઓપન ઈન્ટરેસ્ટનો આંકડો એકધારો વધતો જાય છે એ દર્શાવે છે કે બજારના સહભાગીઓને આ કોન્ટ્રેક્ટ્સમાં રસ વધી રહ્યો છે. આ સેગમેન્ટમાં 155 મેમ્બર્સે ટ્રેડિંગ કર્યું હતું.