મુંબઈઃ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવેલા ભારત બોન્ડ ETF પ્રોગ્રામ હેઠળ જાહેર ક્ષેત્રના 12 એકમો (પીએસયુ) દ્વારા રૂ.17,370 કરોડનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. બોન્ડ્સ ઈશ્યુની કુલ સાઈઝ રૂ.17,370 કરોડમાં ઈશ્યુની બેઝ સાઈઝ રૂ.3,670 કરોડ અને રૂ.11,000 કરોડ ગ્રીન શૂ ઓપ્શન્સના હતા, જે માત્ર ભારત બોન્ડ ETF માટે રિઝર્વ રાખવામાં આવી હતી.
આ બોન્ડ્સ ઈશ્યુઝ 27 જુલાઈ, 2020થી 7 ઓગસ્ટ, 2020 દરમિયાન BSE બોન્ડ પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં નોંધવા લાયક બાબત એ છે કે ભારત બોન્ડ ETFની ન્યૂ ફંડ ઓફર્સનું 83 ટકા સબસ્ક્રિપ્શન BSEનાં સ્ટાર એમએફ અને બીઆઈએમએફ પ્લેટફોર્મ્સ મારફત આવ્યું હતું.
આ પ્રસંગે BSEના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે 12 પીએસયુ દ્વારા BSE બોન્ડ પ્લેટફોર્મ મારફત સફળતાપૂર્વક રૂ.17,370 કરોડ એકત્ર કરી શક્યા એનો અમને આનંદ છે. BSE દૃઢતાપૂર્વક એમ માને છે કે ભારતીય બોન્ડ બજાર વિકાસની પર્યાપ્ત સંભાવનાઓ ધરાવે છે અને દેશના રોકાણકારો તેમની બચતોનું શ્રેષ્ઠ રીતે રોકાણ કરી રહ્યા છે.
વર્તમાન નાણાકીય વર્ષ 2020-21માં 7 માર્ચ સુધીમાં બીએસઈ બોન્ડ મારફત કંપનીઓ ડેટ ઈશ્યુ દ્વારા રૂ.2,03,580 કરોડ એકત્ર કરી ચૂકી છે.