એમેઝોનના CEO જેફ બેઝોસે ત્રણ અબજ ડોલરના શેર વેચ્યા

સેન ફ્રાન્સિસ્કોઃ એમેઝોનના સંસ્થાપક અને CEO જેફ બેઝોસે આ સપ્તાહે કંપનીના 3.1 અબજ ડોલરના શેર વેચ્યા છે. યુએસ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશનમાં દાખલ કરેલા દસ્તાવેજોમાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. ફોર્બ્સએ સૂચના આપી છે કે કરકાપ પછી વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ બેઝોસને આશરે 2.4 અબજ ડોલર મળ્યા છે. જોકે હાલમાં આ શેર વેચ્યા એની પાછળનાં કારણોની માહિતી નથી મળી. બેઝોસે પહેલાં પણ કહ્યું હતું કે તેઓ પોતાની સ્પેસ એક્સપ્લોરેશન કંપની બ્લુ ઓરિજિનને ફંડ આપવા માટે દર વર્ષે એક અબજ ડોલરના ભંડોળ માટે એમેઝોનના શેર વેચશે.

શેર વેચાણ પછી જેફ બેઝોસે કુલ 7.2 અબજ ડોલરની રોકડ હાંસલ કરી

નિયામકના જણાવ્યાનુસાર શેરવેચાણ પછી એમેઝોનના CEOએ 2020માં કુલ 7.2 અબજ ડોલરની રોકડ પ્રાપ્ત કરી લીધી છે. આ તેમના 10B5-1 ટ્રેડિંગ યોજનાનો હિસ્સો છે. એ 2019માં તેમના દ્વારા વેચવામાં આવેલા 2.8 અબજ ડોલરના શેરોની તુલનામાં ઘણી મોટી રકમ છે. એમેઝોનના CEOની પાસે હજી પણ 5.4 કરોડથી વધુ શેર છે.

એમેઝોનના ચોખ્ખા વેચાણમાં 40 ટકાનો વધારો

એમેઝોનના પાછલા સપ્તાહમાં જાહેર કરેલા બીજા ત્રિમાસિક ગાળામાં પ્રોત્સાહક દેખાવ કર્યો હતો. ગયા વર્ષના સમાન સમયગાળામાં 63.4 અબજ ડોલરની તુલનાએ આ સમયગાળામાં ચોખ્ખું વેચાણ 40 ટકા વધીને 88.9 અબજ ડોલર થયું હતું. કંપનીના શેરમાં બુધવારે 2.1 ટકાના વધારા સહિત વર્ષમાં 73 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]