યુટ્યુબ પર વિડિયો જોઈ શેરોમાં મૂડીરોકાણ કરવા પર સાવધાન

નવી દિલ્હીઃ બજાર નિયામક સેબીએ સોશિયલ મિડિયા મંચ યુટ્યુબની કેટલીય ચેનલો પર ભ્રામક વિડિયો નાખીને શાર્પલાઇન બ્રોડકાસ્ટ લિ.ની શેરની કિંમતોમાં હેરફેર કરવાને મામલે નવ કંપનીઓ પરથી પ્રતિબંધો દૂર કરવાનો ઇનકાર કર્યો હતો. સેબીએ આ માલે પ્રાથમિક તપાસને આધારે માર્ચમાં 24 કંપનીઓને શેરબજારોમાં ટ્રેડિંગ કરવાથી પ્રતિબંધિત કરી હતી. એમાં નવ કંપનીઓ પર લગાવવામાં આવેલા પ્રતિબંધની હવે એણે પુષ્ટિ કરી છે.

સેબીએ જારી કરેલા આદેશમાં કહ્યું હતું કે આ કંપનીઓ છેતરપિંડી અને ગેરકાયદે વેપાર વ્યવહાર નિષેધ (PFUTP)ના નિયમો હેઠળ પ્રાથમિક દ્રષ્ટિએ કસૂરવાર માલૂમ પડી હતી અને એને વચગાળાના આદેશને પુષ્ટ કરવામાં આવે છે. આ આદેશમાં જતિન મનુભાઈ શાહ, અંગદ એમ રાઠોડ, હેલી જતિન શાહ, દૈવિક જતિન શાહ, અશોકકુમાર અગ્રવાલ, અંશુ અગ્રવાલ, હેમંત દુસાડ અનૈ અંશુલ અગ્રવાલ કંપની HUF પર પ્રતિબંધ યથાવત્ રાખ્યો હતો. એમાંથી ચાર લોકોને સેબીએ કેટલીક છૂટછાટ આપી હતી.

સેબીને તપાસમાં માલૂમ પડ્યું હતું કે મે, 2022ના બીજા પખવાડિયામાં શાર્પલાઇન બ્રોડકાસ્ટ કંપનીના શેરો વિશે યુટ્યુબ પર કેટલાક ભ્રામક અને ખોટા વિડિયો મૂકવામાં આવ્યા હતા. આ વિડિયોમાં રોકાણકારોને આ કંપનીના શેરોમાં મૂડીરોકાણની સલાહ આપવામાં આવી હતી. આ વિડિયોથી પ્રભાવિત થઈને મોટી સંખ્યામાં રોકાણકારોએ શેરબજારમાં શાર્પાલઇનના શેરોમાં મૂડીરોકાણ કર્યું હતું.