લંડનઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કંપનીના સીઈઓ અને ‘વેક્સિન પ્રિન્સ’ તરીકે ઓળખાતા અદર પૂનાવાલાએ લંડનમાં એક મોંઘીદાટ પ્રોપર્ટી ખરીદી છે. એમણે મેફેર મેન્શન નામક વિશાળ હવેલી ખરીદી છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સના અહેવાલ અનુસાર, આ હવેલી 25,000 સ્ક્વેર ફીટનો વિસ્તાર ધરાવે છે અને પૂનાવાલાએ તે 13 કરોડ 80 લાખ પાઉન્ડ (આશરે રૂ. 1,446 કરોડ)માં ખરીદી છે. વર્ષ 2023માં આ લંડનમાં સૌથી મોંઘી પ્રોપર્ટી બની છે.
પૂનાવાલા સાથે આ પ્રોપર્ટી ખરીદીનો એગ્રીમેન્ટ પોલેન્ડના સૌથી શ્રીમંત તરીકે પંકાયેલા સ્વ. જાન કુલ્જિકના પુત્રી ડોમિનિકા કુલ્જિકે સંપન્ન કર્યો છે. મેફેર મેન્શન હાઈડ પાર્કની બાજુમાં જ આવેલું છે. આ મેન્શન સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની બ્રિટનસ્થિત પેટાકંપની સીરમ લાઈફ સાયન્સીસ પ્રાપ્ત થશે.
આ સોદો લંડનમાં વર્ષ 2023માં સૌથી મોટી રકમનો બન્યો છે અને લંડનમાં અત્યાર સુધીમાં વેચાયેલી સૌથી ઊંચી રકમની પ્રોપર્ટીઓમાં આ સોદો બીજા ક્રમે આવ્યો છે. સીરમ લાઈફ સાયન્સીસ કંપનીની નિકટના એક વ્યક્તિએ કહ્યું છે કે ભારત છોડીને બ્રિટનમાં સ્થાયી થવાનો પૂનાવાલા પરિવારનો કોઈ ઈરાદો નથી. નવી ખરીદેલી હવેલીનો ઉપયોગ કંપની માટે કરવામાં આવશે તેમજ પૂનાવાલા પરિવારજનો બ્રિટનની મુલાકાતે આવશે ત્યારે અહીં રહેશે.