અદાણી એન્ટરપ્રાઇઝીસની FPO 27 જાન્યુઆરીએ ખૂલશે

મુંબઈઃ અદાણી ગ્રુપની અદાણી એન્ટરપ્રાઇઝીસની ફોલોઓન ઓફર 27 જાન્યુઆરીએ ખૂલશે અને રોકાણકારો 31 જાન્યુઆરી સુધી FPOમાં અરજી કરી શકશે. કંપનીએ કહ્યું હતું કે રૂ. 20,000 કરોડની ફોલોઓન પબ્લિક ઓફર (FPO)ની પ્રાઇસ બેન્ડ શેરદીઠ 3112-3276 હશે. પ્રાઇસ બેન્કની નીચલી કિંમતે અને શેરોના બજાર મૂલ્યથી 13.5 ટકાની છૂટ આપવામાં આવી રહી હતી.

ગ્રુપની કંપનીના શેર NSE પર પાછલા બંધથી 1.2 ટકા ઘટીને રૂ. 3596.70એ બંધ થયા હતા. FPOમાં રિટેલ રોકાણકારોને શેરદીઠ રૂ. 64નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ FPOમાં લઘુતમ ચારના લોટના શેર અને એ પછી ચાર શેરોના ગુણાંકમાં અરજી કરી શકાશે. કંપની 100 ટકા બુક-બિલ્ટ ઓફર હેઠળ આંશિક ચુકવણી (પાર્ટલી પેઇડ)ને આધારે શેર જારી કરવામાં આવશે.

FPO હેઠળ કર્મચારીઓનો ક્વોટા પાંચ ટકા, રિટેલ રોકાણકારો માટે 35 ટકા અને બિનસંસ્થાકીય રોકાણકારો માટે 15 ટકા હિસ્સોનિર્ધારિત કરવામાં આવ્યો છે. FPO માટે એન્કર રોકાણકાર બિડિંગ કરવા માટે 25 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. FPO હેઠળ સફળ અરજીધારકોને તેમના ડીમેટ એકાઉન્ટમાં સાત ફેબ્રુઆરી સુધી શેરો જમા કરવામાં આવશે અને આઠ ફેબ્રુઆરીથી શેરો ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે, એમ સેબીમાં જમા કરવામાં આવેલા દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે. FPO પછી કંપનીના પ્રમોટર્સનો હિસ્સો 3.5 ટકા ઘટશે. કંપની FPO દ્વારા એકત્ર થયેલા ફંડમાંથી રૂ. 4170 કરોડ દેવાં ચૂકવવામાં કરશે. કંપની જે રિટેલ રોકાણકારોને FPOમાં શેરની ફાળવણી થશે, એમાંથી કંપની બે અથવા ત્રણ હપતામાં શેરના બાકીના હપતાની ચુકવણી કરવાનું કહે એવી શક્યતા છે.