મુંબઈઃ ભારતમાં સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસીઓની ગતિવિધિ પર નજર રાખતા મીડિયા પ્લેટફોર્મ Inc42નું કહેવું છે કે કોરોનાવાઈરસ ચેપી મહામારી ફેલાઈ હોવા છતાં દેશમાં વર્ષ 2021માં નવી સ્ટાર્ટઅપ્સની સંખ્યા ઘણી સારી રહી અને 2022ના આરંભ સુધીમાં દેશ 100થી વધારે યૂનિકોર્ન મેળવવામાં સફળ થશે. કેન્દ્ર સરકારે તો આ માટેનો લક્ષ્યાંક 2023ના વર્ષનો બાંધ્યો છે. આમ, તે કામ ઘણું ઝડપથી પાર પડશે. આ વર્ષમાં અનેક નવી સ્ટાર્ટઅપ બ્રાન્ડ યૂનિકોર્નમાં પરિવર્તિત થઈ છે, જેમ કે, માઈગ્લેમ, ક્યોર ફિટ, ગ્રોફર્સ, લિશીયસ, ક્રેડ વગેરે. યૂનિકોર્ન એટલે એવી સ્ટાર્ટઅપ જે એક અબજ ડોલરનું વેલ્યૂએશન હાંસલ કરે. સૌથી મોટી સંખ્યામાં યૂનિકોર્ન ધરાવતા દેશોની યાદીમાં હવે ભારત ત્રીજા નંબર પર છે. એની આગળ અમેરિકા અને ચીન છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ઉદ્યોગસાહસિકોને સ્ટાર્ટઅપ શરૂ કરવામાં પ્રોત્સાહન મળે એ માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરવાના મનસૂબા સાથે 2016માં સ્ટાર્ટઅપ ઈન્ડિયા કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ સ્ટાર્ટઅપ કંપનીઓએ અત્યાર સુધીમાં દેશમાં સાડા પાંચ લાખ નોકરીઓનું નિર્માણ કરી આપ્યું છે. વર્ષ 2020-21માં જ આશરે 1 લાખ 70 લાખ નોકરીઓનું નિર્માણ થયું હતું.