મુંબઈઃ અમેરિકામાં બ્લ્યુચિપ કંપનીઓનાં આર્થિક પરિણામોની પ્રતીક્ષામાં અને ફેડરલ રિઝર્વની નીતિ જાહેર થાય એની પહેલાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવતાં ક્રીપ્ટોકરન્સીમાં મંગળવારે ઘટાડો થયો હતો. બિટકોઇન 21,000 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. એસએન્ડપી500ના માર્કેટ કેપિટલાઇઝેશનમાં લગભગ અડધો હિસ્સો ધરાવતી 169 કંપનીઓ આ સપ્તાહે ક્વોર્ટરલી પરિણામો જાહેર કરવાની છે.
ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ફ્યુચર્સના 118 મિલ્યન ડોલર મૂલ્યનાં ઓળિયાં ગત 12 કલાકમાં સુલટાવવામાં આવ્યાં હતાં. તેમાંથી 88 ટકા ઓળિયાં તેજીનાં હતાં.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.69 ટકા (1,770 પોઇન્ટ) ઘટીને 29,331 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,102 ખૂલીને 31,201 સુધીની ઉપલી અને 29,037 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
31,102 પોઇન્ટ | 31,201 પોઇન્ટ | 29,037 પોઇન્ટ | 29,331 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 26-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |