બોલિવૂડના હી-મેન વીરુ અમર થઈ ગયા,ધર્મેન્દ્રની કારકિર્દીના દમદાર છ દાયકા

ધર્મેન્દ્રનું સોમવારે 89 વર્ષની ઉંમરે અવસાન થયું. ચાલો જાણે એમની કારકિર્દી, સ્ટારડમના ઉદય,  અંગત જીવન અને તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

ધર્મેન્દ્રએ 60ના દાયકામાં પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. તેઓ બોલીવુડના સૌથી સફળ અભિનેતાઓમાંના એક છે. પંજાબના એક ગામડામાંથી સપનાના શહેરમાં આવ્યા અને પોતાના અભિનયથી બધાના દિલ જીતી લીધા હતા. છ દાયકા સુધી ફિલ્મોમાં અભિનય કરનારા ધર્મેન્દ્રએ પોતાની કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ સમય દરમિયાન, એમણે મોટા પડદા પર તમામ પ્રકારના પાત્રો ભજવ્યા હતા. ધર્મેન્દ્રનું ફિલ્મી અને અંગત બંને જીવનની હંમેશા ચર્ચા થતી રહી છે. તેમની ભાવિ પેઢીઓએ તેમના અભિનય વારસાને સાચવી રાખ્યો છે અને આગળ ધપાવી રહ્યા છે.

પ્રારંભિક જીવન

ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબના લુધિયાણા જિલ્લાના નસરાલી ગામ ખાતે થયો હતો. એમનું પૂરું નામ ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેઓલ હતું. પિતાનું નામ કેવલ કૃષ્ણ અને માતાનું નામ સતવંત કૌર હતું. ધર્મેન્દ્રએ પોતાનું શરૂઆતનું જીવન સાનેહવાલ ગામમાં સરકારી શાળામાં વિતાવ્યું. તેમના પિતા આ શાળાના મુખ્ય શિક્ષક હતા. પંજાબ યુનિવર્સિટીમાંથી એમણે ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું. ફિલ્મફેર મેગેઝિને એક નવી પ્રતિભા સ્પર્ધાનું આયોજન કર્યું, અને ધર્મેન્દ્ર વિજેતા બન્યા. આ પછી, તેઓ અભિનય કરવાની ઇચ્છા સાથે મુંબઈ ગયા.

એમની સુંદરતા અને અભિનયએ દર્શકો પર છોડી છાપ

ધર્મેન્દ્રએ 1960માં ફિલ્મ ‘દિલ ભી મેરા હમ ભી તેરે’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. ત્યારબાદ તેઓ ‘શોલા ઔર શબનમ’ માં દેખાયા, જેણે નોંધપાત્ર સફળતા મેળવી. ધર્મેન્દ્રએ પાછળથી ‘અનપધ,’  ‘બંદિની,’  આઇ મિલન કી બેલા,’ ‘હકીકત,’ ‘”ફૂલ ઔર પથ્થર,’  ‘મમતા,’  ‘અનુપમા,’  ‘ઇઝ્ઝત,’  ‘આંખે,’  ‘શિખર,’  ‘મંઝલી દીદી,’  ‘ચંદન  કા પાલના’ ‘ મેરે હમદમ મેરે દોસ્ત’  ‘દો રાસ્તે,’  ‘સત્યકામ,’  અને ‘આદમી ઔર ઇન્સાન.’ જેવી હિટ અને ક્લાસિક્સલ ફિલ્મો આપી.

70ના દાયકામાં સ્ટારડમ, હેમા માલિની સાથે હિટ જોડી

ધર્મેન્દ્રએ પોતાની કારકિર્દીના પ્રથમ દસ વર્ષમાં બોલિવૂડમાં ટોચના અભિનેતા તરીકે પોતાની જાતને સ્થાપિત કરી હતી. 70ના દાયકામાં તેમણે સ્ટારડમ હાંસલ કર્યું. આ દાયકા દરમિયાન,  એ હેમા માલિની સાથે મોટાભાગની ફિલ્મોમાં જોવા મળ્યા. તેમની જોડીને મોટા પડદા પર દર્શકોએ ખૂબ પસંદ કરી. તેઓએ આ દાયકા દરમિયાન ઘણી હિટ ફિલ્મો આપી. ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે સીતા ઔર ગીતા, તુમ હસીન મેં જવાન, શરાફત, નયા જમાના, રાજા જાની, જુગનુ, દોસ્ત, પત્થર કે ફૂલ, શોલે, ચરસ, મા, ચાચા ભતીજા,  જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ દાયકા દરમિયાન,  એમણે મેરા નામ જોકર  અને મેરા ગાંવ મેરા દેશ જેવી ફિલ્મોમાં પણ સશક્ત ભૂમિકાઓ ભજવી હતી.

80 અને 90ના દાયકામાં પાત્ર ભૂમિકાઓ

ધર્મેન્દ્રએ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન અસંખ્ય એક્શન ફિલ્મોમાં અભિનય કર્યો, જેના કારણે તેમને હિન્દી સિનેમાનું ‘હી-મેન’ ઉપનામ મળ્યું. જો કે, જ્યારે કોમેડીની વાત આવી ત્યારે તેમણે દર્શકોને હસાવ્યા. ચુપકે ચુપકે (1975) અને પ્રતિજ્ઞા (1975)થી યમલા પગલા દિવાના(2011) સુધી અસંખ્ય કોમેડી ફિલ્મોમાં પણ અભિનય કર્યો. 80 અને 90ના દાયકામાં, ધર્મેન્દ્રએ પાત્ર ભૂમિકાઓમાં દેખાવાનું શરૂ કર્યું. આ દાયકા દરમિયાન પણ તેઓ મોટા પડદા પર સક્રિય રહ્યા,  એમની ફિલ્મોની લાંબી યાદી હતી. જેમાં પ્યાર કિયા તો ડરના ક્યા, લાઇફ ઇન અ મેટ્રો, જોની ગદ્દાર, અને અપને  જેવી લોકપ્રિય ફિલ્મોનો સમાવેશ થાય છે. 88 વર્ષની ઉંમરે, તેઓ ૨૦૨૩માં ફિલ્મ રોકી રાની કી પ્રેમ કહાનીમાં દેખાયા, શબાના આઝમી સાથેના તેમના ચુંબન દ્રશ્યથી સનસનાટી મચાવી. ત્યારબાદ તેઓ ૨૦૨૪માં શાહિદ કપૂરની ફિલ્મ તેરી બાતેં મેં ઐસા ઉલ્ઝા જિયામાં દેખાયા,89 વર્ષની ઉંમરે. એમની ફિલ્મ ઇક્કીસ 2025માં રિલીઝ થવાની છે, જે સંભવત તેમની છેલ્લી ફિલ્મ હશે.

શોલે માં વીરુનું પ્રતિષ્ઠિત પાત્ર ભજવ્યું

ધર્મેન્દ્રએ તેમના કારકિર્દીમાં લગભગ ૩૦૦ ફિલ્મોમાં અભિનય કર્યો, પરંતુ શોલે તેમની કારકિર્દીની સૌથી યાદગાર ફિલ્મ હતી. આ ફિલ્મમાં વીરુનું તેમનું પાત્ર અમર બની ગયું છે. ધર્મેન્દ્રનું નામ આવતા જ આ પાત્ર સૌથી પહેલા યાદ આવે છે. આ ફિલ્મે તાજેતરમાં જ તેની સુવર્ણ જયંતિ ઉજવી હતી.

અંગત જીવન

ધર્મેન્દ્ર માત્ર તેમની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેમના અંગત જીવન માટે પણ સમાચારમાં હતા. ધર્મેન્દ્રએ બે વાર લગ્ન કર્યા હતા. તેમના પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે નાની ઉંમરે થયા. પ્રકાશ કૌર અને ધર્મેન્દ્રને બે પુત્રો અને બે પુત્રીઓ છે, સની દેઓલ અને બોબી દેઓલ. બોબી અને સનીએ તેમના પિતાના વારસાને આગળ ધપાવ્યો છે.  બંને પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા છે. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરની પુત્રીઓ અજિતા અને વિજિતા છે. 1980માં, ધર્મેન્દ્રએ અભિનેત્રી હેમા માલિની સાથે બીજી વાર લગ્ન કર્યા. હેમા માલિની અને ધર્મેન્દ્રને બે પુત્રીઓ છે, ઇશા અને આહાના. ઇશાએ થોડા સમય માટે ફિલ્મોમાં કામ કર્યું, જ્યારે આહાના ક્યારેય અભિનયની દુનિયામાં પ્રવેશી ન હતી.

ધર્મેન્દ્ર કેટલીક રસપદ વાત..

અભિનેતા બનતા પહેલા, ધર્મેન્દ્ર  125 રૂપિયા માસિક પગારે રેલ્વેમાં કારકુન તરીકે કામ કરતા હતા.

-ધર્મેન્દ્રની શરૂઆતની અભિનય કારકિર્દી સંઘર્ષથી ભરેલી હતી. તેમણે ઘણી રાતો રેલ્વે સ્ટેશન પર ચણા ખાતા વિતાવી. પૈસા બચાવવા અને ખાવા માટે તેઓ ભૂમિકાઓ મેળવવા માટે નિર્માતાઓની ઓફિસમાં માઇલો ચાલીને જતા.

-એક વાર, શશિ કપૂર ધર્મેન્દ્રને પોતાનાઘરે લઈ ગયા અને તેમને સ્વાદિષ્ટ ભોજન ખવડાવ્યું. તેમણે ઘણા ઇન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

-ધર્મેન્દ્ર તેમની એક્શન ફિલ્મો માટે દર્શકોમાં પ્રખ્યાત હતા. તેઓ ફિલ્મોમાં પોતાના એક્શન દ્રશ્યો જાતે જ ભજવતા હતા. તેમણે ક્યારેય એક્શન દ્રશ્યો માટે બોડી ડબલનો ઉપયોગ કર્યો ન હતો. એક ફિલ્મમાં ધર્મેન્દ્ર ચિત્તા સાથે લડ્યા પણ હતા.

-જ્યારે ગોવિંદા ફિલ્મોમાં હિટ થયા, ત્યારે કેટલાક ગુંડાઓએ તેમને હેરાન કરવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં ગોવિંદાએ ધર્મેન્દ્ર પાસે મદદ માંગી. ધર્મેન્દ્રએ પછી જાહેરાત કરી કે તેઓ ગોવિંદાને મદદ કરશે. આ પછી, કોઈએ ગોવિંદાને હેરાન નથી કર્યા.

-ધર્મેન્દ્ર અને દિલીપ કુમાર વચ્ચે પણ ખૂબ જ ખાસ સંબંધ હતો. ધર્મેન્દ્ર દિલીપ સાહેબને પોતાના મોટા ભાઈ માનતા હતા. જ્યારે પણ તેઓ દિલીપ કુમારને મળતા ત્યારે તેમના પગ પાસે બેસતા. સમય સમય પર તેઓ દિલીપ કુમારને તેમના ઘરે મળવા જતા.

-ધર્મેન્દ્રનું નામ એક સમયે મીના કુમારી સાથે પણ જોડાયું હતું. મીના કુમારીને કવિતાનો શોખ હતો. એવું કહેવાય છે કે મીના કુમારીની સાથે રહીને ધર્મેન્દ્રને કવિતાનો શોખ પણ થયો હતો.

ધર્મેન્દ્રના પુરસ્કારો અને સિદ્ધિઓ

-2012માં, તેમને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

-1990માં ધર્મેન્દ્રની ફિલ્મ ઘાયલને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આ ફિલ્મમાં તેમના પુત્ર સની દેઓલે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

-1997માં ધર્મેન્દ્રને ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. 1991માં, તેમની ફિલ્મ ઘાયલ ને શ્રેષ્ઠ ફિલ્મનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.