થરાઃ થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. વેપારી વિભાગમાંથી ચારમાંથી ત્રણ બેઠક ભાજપ પ્રેરિત પેનલને મળી છે. જ્યારે ખેડૂત વિભાગમાંથી દસમાંથી નવ બેઠક ભાજપ પ્રેરિત પેનલને મળી હતી. થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેનને બંન્ને વિભાગોમાંથી કુલ બે જ બેઠકો મળી છે. થરા યાર્ડની કુલ 14 બેઠકોમાંથી 12 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. ભાજપ તરફથી મેન્ડેટ ના મળતાં થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન આણદા પટેલ નવી પેનલ બનાવી ચૂંટણી લડ્યા હતા, પણ તેમની હાર થઈ છે.
આ પહેલાં થરા માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણીમાં સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી શાંતિપૂર્વક મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલ અને ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલ વચ્ચે રસાકસીભર્યા માહોલમાં મતદાન યોજાયું હતુ. જેનું આજે પરિણામ આવ્યું હતું.
થરા માર્કેટયાર્ડની ચૂંટણી માટે સોમવારે વેપારી વિભાગના 4 અને ખેડૂત વિભાગના 10 એમ કુલ 14 સભ્યો માટે મતદાન યોજાયું હતું. જેમાં ભાજપની પરિવર્તન પેનલમાં જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિહ વાઘેલા, બનાસ બેન્કના ચેરમેન ડાયાભાઇ પિલિયાતર, પૂર્વ કાંકરેજ તાલુકા ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ સહિતના હોદ્દેદારોએ પરિવર્તન પેનલને જીતાડવા કમર કસી હતી. સામે પક્ષે જિલ્લાના મજબૂત સહકારી આગેવાન અને માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલ વચ્ચે સીધી ટક્કર જામી હતી. બંને પેનલોએ 14-14 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.
માર્કેટયાર્ડની ચૂંટણી ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર ડી.વી. ગઢવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. રસાકસીભરી ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં ૪૮૫૬માંથી ૪૭૧૩ મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે ૯૭.૦૫ ટકા મતદાન થયું હતું. વેપારી વિભાગમાં-૬૩માંથી ૬૨ મતદાન થયું હતું.. આમ, વેપારી વિભાગમાં ૯૮.૪૨ ટકા મતદાન થયું હતું.
