જૂનાગઢઃ સ્થાનિક મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત કોંગ્રેસે એક પણ ઉમેદવારનાં નામોની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે કોંગ્રેસની આ વ્યૂહરચના નિષ્ફળ થઈ છે, કારણ કે ઉમેદવારી ફોર્મ ભર્યાના એક દિવસ બાદ કોંગ્રેસના નવ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધા છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટો ધડાકો થયો છે, જેમાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના 9 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં આઠ બેઠકો પર ભાજપ ચૂંટણી પહેલાં જ જીતી ગયો છે, જયારે વોર્ડ નંબર-14 અને વોર્ડ નંબર-3માં ભાજપ બિનહરીફ જીત્યું છે. વોર્ડ નંબર-12ના કોંગ્રેસના ઉમેદવાર દિલીપ ગલે ભાજપના સમર્થનમાં ફોર્મ પરત ખેંચી લીધું. ચૂંટણી પહેલાં જ ભાજપનો આઠ બેઠક પર વિજય થયો છે, તો બીજી બાજું કોંગ્રેસમાં મોટું ભંગાણ થતા દોડધામ મચી ગઈ છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના મુદ્દે અનેક વોર્ડમાં વિવાદ સર્જાયો છે. જૂનાગઢના વોર્ડ નં.9 ના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરવા માગ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું કે ઉમેદવારે એસસી-એસટીમાં હોવા છતાં OBCમાં ફોર્મ ભર્યું હોવાનો દાવો કરાયો છે. થોડા સમય પહેલા એટ્રોસfટી કેસમાં એસસી-એસટીનો દાખલો રજૂ કર્યો હતો. એક જ વ્યક્તિ પાસે બે અલગ-અલગ દાખલા હોવાની રજૂઆત કોંગ્રેસના ઉમેદવારે કરી છે. ચૂંટણી પંચ દ્વારા રજૂઆતને ગ્રાહ્ય રાખવામાં ન આવી હોવાનો વકીલનો દાવો છે.