બીજેપી સાંસદે મને ધક્કો માર્યો, બધુ કેમેરામાં કેદ છે: રાહુલ ગાંધી

નવી દિલ્હી: સંસદમાં ગુરૂવારે હોબાળો થતાં વાતાવરણ ગરમાયું છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને ધક્કો મારી પાડી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે, રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી છે કે, અમને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા અને ત્યાં જ સ્થળ પર ધક્કા-મુક્કી થઈ હતી.

રાહુલની સ્પષ્ટતા

રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી છે કે, અમે લોકો મકર દ્વારથી અંદર જઈ રહ્યા હતાં. ત્યાં ભાજપના લોકો ઊભા હતાં અને અંદર જવાથી રોકી રહ્યા હતાં. ઘટનાસ્થળે ધક્કા-મુક્કી થવા લાગી અને લોકો પડી ગયાં. આ લોકો બંધારણ પર આક્રમણ કરી રહ્યા છે અને આંબેડકરનું અપમાન કરી રહ્યા છે.

ખડગે સાથે પણ થઈ ધક્કા-મુક્કીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ભાજપના સાંસદો પર પ્રવેશ દ્વાર પર રોકવાનો આરોપ લગાવ્યો છે. રાહુલનું કહેવું છે કે, લોકો મને ધક્કો મારી રહ્યા હતાં અને ધમકી આપી રહ્યા હતાં. અમે લોકો સીઢી પર ઊભા હતાં. કેમેરામાં બધું કેદ છે. ખડગેજી સાથે પણ ધક્કા-મુક્કી કરવામાં આવી છે. જો કે, અમને ધક્કા-મુક્કીથી કંઈ નથી થતું. ભાજપ સાંસદ અમને સંસદમાં જવાથી રોકી નહીં શકે.