ઇઝરાયેલ હમાસ યુદ્ધ : હમાસ પર અમેરિકાની મોટી કાર્યવાહી

હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 1400થી વધુ લોકો માર્યા ગયા છે. જવાબમાં, ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસના લક્ષ્યાંકો પર સતત હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 3000થી વધુ લોકોના મોત થયા છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટીની અલ-અહલી અરબ હોસ્પિટલમાં બ્લાસ્ટમાં 500 લોકોના મોત થયા હતા. પેલેસ્ટાઈને દાવો કર્યો છે કે આ હોસ્પિટલ ઈઝરાયેલના હવાઈ હુમલાનો ભોગ બની છે. જ્યારે ઈઝરાયલે આ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ દ્વારા છોડવામાં આવેલા રોકેટના મિસફાયરને કારણે આ દુર્ઘટના થઈ હતી. ગાઝાની અલ-અહલી અરબ હોસ્પિટલ જ્યાં આ હુમલો થયો તે ઉત્તરી ગાઝામાં છે. આ હોસ્પિટલ એંગ્લિકન ચર્ચ દ્વારા ચલાવવામાં આવે છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હજારો લોકોએ આ હોસ્પિટલમાં આશરો લીધો હતો. આ કારણે પેલેસ્ટિનિયન અધિકારીઓનું કહેવું છે કે હોસ્પિટલ હુમલામાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. કારણ કે હજુ પણ સેંકડો લોકો કાટમાળ નીચે દટાયેલા છે.


લેબનીઝ રેડ ક્રોસને હિઝબુલ્લાહ સંગઠનના ચાર લડવૈયાઓના મૃતદેહ મળ્યા

એક અહેવાલ મુજબ, લેબનીઝ ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહના પ્રવક્તાએ કહ્યું કે લેબનીઝ રેડ ક્રોસે જૂથના ચાર લડવૈયાઓના મૃતદેહ મેળવ્યા છે. હિઝબુલ્લાના પ્રવક્તાએ કહ્યું કે આ લડવૈયાઓ મંગળવારે માર્યા ગયા. જો કે, ઉગ્રવાદી જૂથે તેનું મૃત્યુ કેવી રીતે થયું તે જાહેર કર્યું નથી. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે વિસ્ફોટક સામગ્રી સાથે સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા ચાર લડવૈયાઓને મારી નાખ્યા છે. હમાસ સંચાલિત ગાઝાના આરોગ્ય મંત્રાલયે બુધવારે અલ-અહલી હોસ્પિટલમાં મૃત્યુઆંક 500 થી ઘટાડીને 471 કર્યો. જોકે, તેમણે એ નથી જણાવ્યું કે મૃત્યુઆંકમાં આ ઘટાડો કયા આધારે કરવામાં આવ્યો છે. અલ-અહલી હોસ્પિટલના સ્ટાફનું કહેવું છે કે તેઓ કથિત ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યાનો અંદાજ લગાવી શકતા નથી, કારણ કે વિસ્ફોટમાં ઘણા મૃતદેહોને ખરાબ રીતે નુકસાન થયું હતું.

હમાસ વિરુદ્ધ અમેરિકાની મોટી કાર્યવાહી

અહેવાલ મુજબ અમેરિકાએ ઉગ્રવાદી સંગઠન હમાસના 10 સભ્યો પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે અમેરિકાએ પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન પર આર્થિક પ્રતિબંધો પણ લગાવ્યા છે. આ પ્રતિબંધ બાદ આ સંગઠન ગાઝા, સુદાન, તુર્કી, અલ્જીરિયા અને કતારમાં આર્થિક ગતિવિધિઓ ચલાવી શકશે નહીં.