સટ્ટાબાજી એપઃ શિખર ધવન પણ EDના રડાર પર

નવી દિલ્હીઃ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવનને સટ્ટાબાજી એપના પ્રચાર સાથે જોડાયેલા એક કેસમાં ED દ્વારા તલબ કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ તપાસ 1xBet સાથે સંબંધિત છે, જે એક ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મ છે અને કથિત મની લોન્ડરિંગના આરોપો હેઠળ છે.

તપાસ એજન્સી 1xBet નામની એક ‘ગેરકાયદે’ સટ્ટાબાજી એપ સાથે જોડાયેલી તપાસ હેઠળ મની લોન્ડરિંગ (PMLA) હેઠળ તેમનું નિવેદન નોંધશે. 39 વર્ષીય ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કેટલીક જાહેરાતો મારફતે આ એપ સાથે જોડાયેલો હતો. ED પૂછપરછ દરમિયાન આ એપ સાથે તેમના સંબંધો સમજવા માગે છે.તપાસકર્તાઓનો આરોપ છે કે શિખર ધવને સોશિયલ મિડિયા પર સટ્ટાબાજી એપનો પ્રચાર કર્યો હતો. EDએ હવે ક્રિકેટરને પ્રચાર પ્રવૃત્તિઓમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવા માટે તપાસમાં જોડાવા કહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ગેરકાયદે સટ્ટાબાજી એપ્સ સાથે જોડાયેલા અનેક એવા કેસોની તપાસ કરી રહ્યું છે, જેમાં અનેક લોકો અને રોકાણકારોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અથવા ભારે કરચોરી કરવાનો આરોપ છે.

ઓગસ્ટ, 2025માં ઈડીએ મની લોન્ડરિંગના આરોપી ઓનલાઇન સટ્ટેબાજી પ્લેટફોર્મ 1xBetની તપાસના સંદર્ભે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાને તલબ કર્યા હતા. આ તપાસ ગેરકાયદે સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ અને તેમના સેલિબ્રિટી પ્રમોટર્સ પર હાથ ધરવામાં આવેલી વ્યાપક કાર્યવાહીનો એક ભાગ છે, જેમાં પહેલેથી જ અનેક હાઈ-પ્રોફાઈલ નામો સામેલ થઈ ચૂક્યાં છે.