અમદાવાદ: શહેરના લો ગાર્ડન નજીક આવેલા ફૂટપાથ પરનું બજાર હવે ચારે તરફ ફેલાતું જાય છે. જી.એલ.એસ. કોલેજની સામે વસ્ત્રો માટે બનેલી ફૂટપાથ પરની હાટ હવે આ વિસ્તારના તમામ માર્ગ ગલીઓમાં ફેલાઈ ગઈ છે. એમાંય નવરાત્રિ પહેલાં ખરીદી માટે અહીં ભારે ભીડ જામી રહી છે. બપોરથી રાત્રી સુધી આખાય વિસ્તારમાં અનિયંત્રિત ટ્રાફિક જોવા મળે છે.
લો ગાર્ડન પાસેના ફૂટપાથની નાની-નાની હાટડીઓમાં આમ તો બારે માસ પરંપરાગત ડ્રેસ, કેડિયા, ભરતગુંથણ વાળા ચણિયાચોળી, છત્રીઓ, ઓક્સોડાઈઝના ઘરેણાં જેવી અનેક પરંપરાગત ચીજવસ્તુઓનું વેચાણ થાય છે. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોમાં લાલ દરવાજા, ભદ્ર, ત્રણ દરવાજા, પાનકોર નાકા કરતાં પણ વધારે ભીડ નવરાત્રિ દિવાળી પહેલાં લો ગાર્ડનની આસપાસના વિસ્તારમાં જોવા મળે છે. આ સાથે શહેરના નવા વિકસેલા પૂર્વ પશ્ચિમના વિસ્તારોમાં પણ ખુલ્લી જગ્યાઓમાં ચણીયા ચોળી, કેડિયા અને ઉત્સવોની ચીજવસ્તુઓની ખરીદી માટે લાગતી ભીડથી ટ્રાફિક જામ થઈ જાય છે. છેલ્લા કેટલાક દિવસથી લો ગાર્ડનની આસપાસની ફૂટપાથ, ડીવાઈડર અને રોડની વચ્ચે ફેરિયાઓએ અડ્ડો જમાવી દીધો છે. ઓફિસ ટાઈમ વેળાએ આવતા-જતા અને ઈમરજન્સીના વાહનો ટ્રાફિકમાં ફસાઈ જાય છે. સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન, દબાણ વિભાગની ગાડીઓની ઉપસ્થિતિ હોવા છતાં લોકો માર્ગો, ડિવાઈડર રોકી ધંધો કરી રહ્યા છે. જેના કારણે ભારે ચક્કાજામ સર્જાય છે. અમદાવાદની મધ્યમાં લોકોને ફન માટે બનાવેલી લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ આસપાસ ફેરિયા માર્ગો પર અડ્ડો જમાવીને બેઠા છે. હેપ્પી સ્ટ્રીટ સાથે આખોય લો ગાર્ડન વિસ્તાર ટ્રાફિક સ્ટ્રીટમાં ફેરવાઈ ગયો છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)