બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા PM બેગમ ખાલિદા જિયાનું નિધન

નવી દિલ્હીઃ બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા PM અને મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)નાં પ્રમુખ બેગમ ખાલિદા જિયાનું 80 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી ગંભીર બીમારીઓથી પીડિત હતાં. તેમના નિધન સાથે બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસનો એક મહત્વપૂર્ણ યુગ પૂર્ણ થયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ખાલિદા જિયાની તબિયત અત્યંત નાજુક હતી. ઢાકાની એવરકેર હોસ્પિટલના ડોક્ટરો અનુસાર તેઓ લિવર સિરોશિસ, ફેફસાંમાં ચેપ, ગંભીર આર્થરાઇટિસ, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીઓથી પીડિત હતાં. તબિયત વધુ બગડતાં તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતાં. ડોક્ટરોના તમામ પ્રયત્નો છતાં તેમના શરીરનાં અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

જ્યારે પણ બાંગ્લાદેશનો રાજકીય ઇતિહાસ લખાશે, તેમાં ખાલિદા જિયાનું નામ નિશ્ચિત રીતે સામેલ થશે. બાંગ્લાદેશના રાજકારણ અને તેની રાજકીય કહાણીઓ તેમના વિના અધૂરી છે. તેમના સમર્થકો પણ હતાં અને સમાલોચકો પણ, પરંતુ તેમને અવગણવા કોઈ માટે શક્ય નહોતું.

ખાલિદા જિયાનો જન્મ 1945માં પશ્ચિમ બંગાળમાં થયો હતો. 15 વર્ષની વયે તેમનાં લગ્ન આર્મી ઓફિસર જિયાઉર રહમાન સાથે થયાં હતાં. જિયાઉર રહમાને 1971માં પાકિસ્તાનથી સ્વતંત્ર થવાનો સંકલ્પ લીધો હતો અને બાંગ્લાદેશનું અસ્તિત્વ ઊભું થયું. 1977માં જિયાઉર રહમાન સેના પ્રમુખ બની ચૂક્યા હતા અને તે સમયે સૈન્ય સત્તા પર કાબૂમાં હતું. આવી સ્થિતિમાં જિયાઉર રહમાને પોતાને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ જાહેર કર્યા. જિયાઉર રહમાનનું નિધન બાંગ્લાદેશની કિસ્મત બદલનાર સાબિત થયું.

એક ઐતિહાસિક રાજકીય સફર

ખાલિદા જિયાએ 1991માં બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે પદ સંભાળ્યું હતું. તેઓ કુલ ત્રણ વખત દેશનાં વડા પ્રધાન રહ્યાં. તેમની અને શેખ હસીનાની વચ્ચેની રાજકીય પ્રતિસ્પર્ધાને ‘બેટલ ઓફ બેગમ્સ’ તરીકે ઓળખવામાં આવતી હતી, જે દાયકાઓ સુધી બાંગ્લાદેશના રાજકારણને પ્રભાવિત કરતી રહી.

1981માં તેમના પતિ અને રાષ્ટ્રપતિ જિયાઉર રહમાનની હત્યા બાદ તેમણે રાજકીય જવાબદારી સંભાળી અને સૈન્ય શાસન સામેના લોકશાહી આંદોલનની પ્રતીક બની હતી.