ભારત પર હજી પણ હુમલાઓ થવાની શક્યતાઃ ભારતીય સેના  

નવી દિલ્હીઃ ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાની કબજાવાળા કાશ્મીર (PoK)માં જૈશ-એ-મોહમ્મદ સહિતનાં અનેક આતંકી ઠેકાણાંઓને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. સેનાએ જણાવ્યું હતું કે ભારત પર હજી પણ હુમલાઓ થઈ શકે છે. 

વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે 22 એપ્રિલ 2025ના રોજ લશ્કર અને પાકિસ્તાન સંકળાયેલા આતંકીઓએ કાશ્મીરના પેહલગામમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 25 ભારતીય નાગરિકો અને 1 નેપાળી નાગરિકની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ પ્રવાસીઓને તેમના પરિવારજનોની સામે માથામાં ગોળી મારી. પરિવારજનોને ડરાવ્યા અને કહિયું કે આ હિંસાની જાણકારી વિશ્વમાં ફેલાવવી જોઈએ.

વિદેશ સચિવે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ફરીથી વિકાસ પામતો પ્રવાસન ઉદ્યોગ પાકિસ્તાન અને તેના આતંકવાદી સંગઠનોને ગમતો ન હતો અને આ હુમલો આ ઉદ્દેશથી કરવામાં આવ્યો હતો. “રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)” નામના જૂથે આ હુમલાની જવાબદારી લીધી હતી, જે લશ્કર-એ-તૈયબાથી સંકળાયેલું છે. મિસ્રીએ જણાવ્યું હતું કે 25 એપ્રિલે TRFનું નામ મિડિયા રિપોર્ટમાંથી કાઢવા માટે પાકિસ્તાનના દબાણને નજરઅંદાજ ના કરવું જોઈએ. પહેલગામ આતંકવાદી હુમલાથી પાકિસ્તાન અને આતંકવાદીઓ વચ્ચેના સંબંધોનો પર્દાફાશ થયો છે.

તેમણે ઉમેર્યું હતું કે આ હુમલો અત્યંત ક્રૂર હતો, જેમાં પીડિતોને ખૂબ નજીકથી ગોળી મારીને તેમના પરિવાર સામે હત્યા કરવામાં આવી. આ હુમલો સ્પષ્ટપણે કાશ્મીરની શાંતિ પ્રક્રિયામાં વિઘ્ન લાવવાનો પ્રયાસ હતો. તેમણે કહ્યું હતું કે આ હુમલાના સૂત્રધાર અને કાવતરાખોરોઓને ન્યાયના દાયરામાં લાવવું જરૂરી હતું. એક અઠવાડિયાથી પણ વધુ સમય વીતી ગયો છે છતાં પાકિસ્તાને આતંકવાદી ઠેકાણાં સામે કોઈ કડક પગલાં લીધાં નથી.

કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે પહેલગામ આતંકી હુમલાના પીડિતોને ન્યાય આપવાનો ઉદ્દેશ લઈને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ નવ આતંકી કેમ્પોને નિશાન બનાવીને નષ્ટ કરવામાં આવ્યાં હતાં.વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ પહેલગામ હુમલાના પીડિતો અને તેમના પરિવારજનો માટે ન્યાય મેળવવાનો નક્કી કરી ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં નવ આતંકવાદી કેમ્પ સફળતાપૂર્વક ખતમ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાને વ્યસ્થિત રીતે આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. કર્નલ સોફિયા કુરેશીએ પત્રકાર પરિષદમાં ખતમ કરાયેલા આતંકવાદી કેમ્પોના વિડિયોઝ પણ દર્શાવ્યા હતા.