અમૃતસર: લોકસભા ચૂંટણીને લઈને પંજાબમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમૃતસરમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, “તિહાડ જેલમાં મારા પર સીસીટીવી કેમેરાઓ દ્વારા PMO 24 કલાક નજર રાખી રહી છે.”
તેમણે કહ્યું, “પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન મને જેલમાં મળવા આવતા હતા. જેલ પ્રશાસનના અધિકારીઓ તેમને સળિયાની બીજી બાજુથી મળવા દેતા હતા. મારું ઇન્સ્યુલિન બંધ કરી દીધું હતું. જેથી મારું સુગર લેવલ વધી ગયું હતું. હું જે સેલમાં હતો ત્યાં બે સીસીટીવી કેમેરા લગાવેલા હતા. ત્યાં મારી સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવી રહી હતી. તેનું એક પ્રસારણ પી.એમ.ઓ.માં થતું હતું.”અરવિંદ કેજરીવાલે કાર્યકરોને વધુમાં કહ્યું કે પંજાબ ચૂંટણીને 10 દિવસ કરતાં ઓછો સમય બાકી છે. ત્યારે તમારે સખત મહેનત કરવી પડશે. તમારે 13માંથી 13 લોકસભા બેઠકો જીતવી પડશે. વધુમાં તેમણે કહ્યું, “મેં તમને લોકોને જેલમાં ખૂબ જ યાદ કર્યા. આજે સાંસદ, ધારાસભ્ય અને કાઉન્સિલર બધા અહીં હાજર છે. જેલમાંથી બહાર આવતાં જ મેં સંદીપ પાઠકને કહ્યું કે હું પંજાબ અને દિલ્હીના મારા લોકોને મળવા માંગુ છું. કોઈ એજન્ડા નથી. બધાને મળવાની ઈચ્છા છે. મને બધાને ગળે લગાડવાનું મન થાય છે. ભગવંત માન સાહેબ મને જેલમાં મળવા આવતા હતા. તે કહેતો હતા કે બધા મને યાદ કરે છે.” પંજાબની તમામ 13 બેઠકો પર 25મી મેના રોજ મતદાન થવાનું છે.