સેનાએ મ્યાનમાર બોર્ડરે 10 ઉગ્રવાદીઓને ઠાર કર્યા

નવી દિલ્હીઃ મણિપુરના ચંદેલ જિલ્લામાં કાલે આસામ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સેના પર કેટલાક હથિયારધારી ઉગ્રવાદીએ ફાયરિંગ શરૂ કર્યું હતું, જેથી આસામ રાઇફલ્સે  તેનો જવાબ આપ્યો હતો, જેમાં 10 ઉગ્રવાદીઓને ઠાર કર્યાં હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ઉગ્રવાદીઓએ સેના પર પહેલાં ફાયરિંગ કર્યું હતું, જેથી આસામ રાઇફલ્સના જવાનોએ ઉગ્રવાદીઓને ઠાર કર્યા હતા.

આસામ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે થયેલ અથડામણ મામલે સેનાના પૂર્વીય કમાન્ડે X પર એક પોસ્ટ શેર કરીને વિગતો આપી હતી. X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે ભારત-મ્યાનમાર સરહદ નજીક ચંદેલ જિલ્લાના ખેગજોય તહસિલના ન્યુ સમતાલ ગામ નજીક સશસ્ત્ર કેડર્સની હિલચાલ વિશે ખાસ ગુપ્ત માહિતી મળી હતી. તેના પર કાર્યવાહી કરવામાં આવતાં 10 ઉગ્રવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

મણિપુરના ચંદેલ જિલ્લામાં આ કાર્યવાહી અંગે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે સ્પિયર કોર્પ્સ હેઠળના આસામ રાઇફલ્સ યુનિટે 14 મે 2025એ એક કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ કેડરોએ સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. સેનાના જવાનોએ જવાબી કાર્યવાહી દરમિયાન સંયમ અને વ્યૂહરચના સાથે ફાયરિંગ કર્યું હતું, જેમાં 10 ઉગ્રવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં, પરંતુ ઉગ્રવાદીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક માલસામાન પણ મળી આવ્યો હતો.

જોલેન્ડ રાજ્ય બનાવવાનું સપનું

ભારત-મ્યાનમાર સરહદવાળા વિસ્તારમાં ઉગ્રવાદી સંગઠનો દ્વારા લાંબા સમયથી ‘જોલેન્ડ’ રાજ્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે તાજેતરમાં ભારત સરકારે અને ભારતીય સેના દ્વારા મ્યાનમારને લઈને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સેના અને સરકારે મ્યાનમાર સરહદને સંપૂર્ણપણે સીલ કરી દીધી છે અને ફ્રી મૂવમેન્ટને પણ ખતમ કરી દીધી છે. જેના કારણે ‘જોલેન્ડ’ રાજ્ય બનવાનાં સપનાં તૂટી ગયાં છે. વળી, આ નિર્ણયનો છેલ્લા કેટલાય દિવસોથી નાગા અને કુકી જનજાતિઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને સેના દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.