નવી દિલ્હીઃ CBI એ ઉદ્યોગપતિ અનિલ અંબાણીની ગુરુવારે પૂછપરછ કરી હતી. આ પૂછપરછ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (RCom) અને તેમના વિરુદ્ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા કરવામાં આવેલી રૂ. 2929 કરોડની કથિત છેતરપિંડીની ફરિયાદને આધારે નોંધાયેલા કેસ સંબંધિત છે, એવી માહિતી અધિકારીઓએ આપી હતી. અંબાણી સવારે આ મામલે પૂછપરછ માટે એજન્સીના મુખ્યાલય પહોંચ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસ એજન્સીએ બેંક દ્વારા કંપનીને આપવામાં આવેલી લોનના કથિત દુરુપયોગ અને અન્ય ગેરરીતિઓના આરોપોની તપાસ શરૂ કરી છે.
અનિલ અંબાણીના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું હતું કે અનિલ અંબાણી 19 અને 20 માર્ચ 2026એ દિલ્હીમાં CBI સમક્ષ હાજર રહેશે, જ્યાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા RCom સંબંધિત કરવામાં આવેલી ફરિયાદના આધારે નોંધાયેલી FIR મામલે તેમની પૂછપરછ કરવામાં આવશે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે આ મામલે અંબાણીનું હાજર થવું તમામ તપાસ એજન્સીઓ સાથે સંપૂર્ણ સહકાર આપવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.શું છે અનિલ અંબાણી છેતરપિંડી કેસ?
અધિકારીઓએ જણાવ્યું હતું કે CBI એ SBI સાથે કથિત રીતે રૂ. 2929.05 કરોડની છેતરપિંડીના આરોપ હેઠળ ગયા વર્ષે ઓગસ્ટમાં અંબાણી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. SBIની ફરિયાદ હવે FIRનો ભાગ બની છે. ફરિયાદ મુજબ કંપની પર વિવિધ ધિરાણકર્તાઓના રૂ. 40,000 કરોડથી વધુ બાકી છે, જેને કારણે જાહેર ક્ષેત્રની બેંકને રૂ. 2929.05 કરોડનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. આ આંકડા વર્ષ 2018ના છે.
CBIએ અંબાણી અને RCom વિરુદ્ધ આપરાધિક કાવતરું, છેતરપિંડી અને આપરાધિક વિશ્વાસઘાતના આરોપો હેઠળ કેસ નોંધ્યો છે. CBIના પ્રવક્તાએ ગયા વર્ષે ઓગસ્ટમાં જણાવ્યું હતું કે આરોપ છે કે આરોપીએ કાવતરા હેઠળ ખોટી માહિતી રજૂ કરીને SBI પાસેથી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ માટે લોન સુવિધાઓ મંજૂર કરાવી હતી. પ્રવક્તાએ ઉમેર્યું હતું કે અનિલ ડી. અંબાણી તમામ આરોપોને નકારી રહ્યા છે અને કાનૂની રીતે પોતાનો બચાવ કરશે.




