ખોડલધામ સંગઠનના અધ્યક્ષ પદે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનના પુત્રી અનાર પટેલની વરણી

રાજકોટ: ખોડલધામ ખાતે આજે મળેલી સંગઠનના આગેવાનો અને કાર્યકરોની બેઠકમાં ચેરમેન નરેશ પટેલે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કર્યું હતું. અનાર પટેલ વર્તમાન ઉતર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી હોય આ જાહેરાતથી ભારે ચર્ચા જાગી છે.

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા અનાર પટેલના નામની ઘોષણા કરવામાં આવી ત્યારે અનાર પટેલ આ બેઠકમાં હાજર હતા. થોડા સમય પહેલા જ આનંદીબેન પટેલે અનાર પટેલ સાથે ખોડલધામ આવી દર્શન કર્યા હતા.

હવે ખોડલધામના સંગઠનને લગતા કામકાજ અનાર પટેલ સંભાળશે. અનાર પટેલ ભાજપના નેતા અને પાટીદાર સમાજમાં સંગઠન માં પણ સક્રિય છે. ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન પદે નરેશ પટેલ યથાવત રહેશે.ખોડલધામ ખાતે યોજાયેલ કન્વીનર મીટ 2026 અંતર્ગત કરવામાં આવેલી આ જાહેરાતથી ગુજરાતના રાજકારણમાં પણ ચર્ચા જાગી છે. લેઉવા પટેલના ગુજરાતના સૌથી મોટા ધાર્મિક સ્થળ ખોડલધામનું સંચાલન સમાજના આગેવાનો કરે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના આગેવાનો તેમાં વધુ સક્રિય છે. રાજકોટ જિલ્લામાં જેતપુર નજીક આવેલું ખોડલધામ માત્ર પટેલ સમાજ નહીં પણ કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે ત્યારે સંગઠનમાં અનાર પટેલ ની વરણી એ અનેક રીતે સૂચક છે.

(દેવેન્દ્ર જાની- રાજકોટ)