ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 8 ઓગસ્ટના રોજ રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. 9 ઓગસ્ટના શનિવારે રક્ષાબંધનના તહેવાર અને રવિવારે એમ બે દિવસ તેઓ ગુજરાતની મુલાકાતે છે. શનિવારે સવારે 10:30 વાગ્યે અમિત શાહ વતન ગાંધીનગરના માણસા ખાતે પહોંચશે. વતનમાં તેમના જૂના પૈતૃક મકાનના રિનોવેશનના કામનું ખાતમુહૂર્ના કરીને પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે છ વાગ્યા બાદ તેઓ અમદાવાદ ખાતે પરત ફરશે. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં રહેશે. બાદમાં સાંજે 5:30 વાગ્યાની આસપાસ દિલ્હી જવા રવાના થશે.
શુક્રવાર રાત્રે અમદાવાદ આવ્યા બાદ તેમણે મેમનગર પાસે સુભાષચોક ખાતે આવેલા ભીડભંજન હનુમાન મંદિર ખાતે દર્શન કર્યા હતા. ગૃહ મંત્રીએ હનુમાનજીના મંદિરે દર્શન કર્યા ત્યાર બાદ સીધા તેઓ થલતેજ ખાતેના પોતાના નિવાસ્થાને પહોંચ્યા હતા.
નાગર સમાજની વાડીમાં બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવશે
આજે અમિત શાહ તેમના કુળદેવી બહુચર માતાના મંદિરે દર્શન પણ કરશે. ખાતમુહૂર્ત પ્રસંગે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ નાગર સમાજની વાડીમાં બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન પણ સહ પરિવાર દ્વારા કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ દર નવરાત્રિએ વતન માણસામાં કુળદેવીના દર્શને આવે છે અને પરિવાર સાથે કુળદેવીની પૂજા-અર્ચના કરે છે.
