નવી દિલ્હીઃ એમેઝોને 28 ઓક્ટોબર 2025થી આશરે 30,000 કોર્પોરેટ કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવાની તૈયારીમાં છે. કંપનીએ આ પગલું ખર્ચામાં કપાત કરવા અને કોરોના મહામારી દરમિયાન થયેલી વધારાની ભરતીની ભરપાઈ કરવા માટે ઉઠાવ્યું છે. કંપનીનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જરૂરિયાત કરતાં વધુ કર્મચારીઓની ભરતી થઈ હતી, તેથી હવે તે પોતાના સ્ટાફનું કદ ઘટાડીને કાર્યક્ષમતા સંતુલિત કરવા માગે છે. આ નિર્ણય એમેઝોનના અનેક વિભાગોને અસર કરી શકે છે, ખાસ કરીને તે ક્ષેત્રોને જ્યાં મહામારી પછી માગ ઘટી ગઈ છે.
30,000 કર્મચારીઓની નોકરી પર સંકટ
આ છટણી એમેઝોનમાં 2022ના અંતમાં શરૂ થયેલી આશરે 27,000 નોકરીઓના કાપ બાદ અત્યાર સુધીની સૌથી મોટી ગણાશે, છતાં 30,000 લોકોને કાઢી મૂકવાનું પગલું કંપનીના કુલ 15.5 લાખ કર્મચારીઓના પ્રમાણમાં માત્ર એક નાનો હિસ્સો છે, તેમ છતાં આ પગલું એમેઝોનના કોર્પોરેટ સ્ટાફ પર મોટો પ્રભાવ પાડશે, કારણ કે તે કંપનીના આશરે 3.5 લાખ કોર્પોરેટ કર્મચારીઓમાંથી લગભગ 10 ટકા લોકોને અસર કરશે.
કંપની છેલ્લાં બે વર્ષથી અલગ-અલગ વિભાગોમાં ધીમે-ધીમે કર્મચારીઓની સંખ્યા ઘટાડતી આવી છે. તેમાં ડિવાઇસ, કમ્યુનિકેશન, પોડકાસ્ટિંગ અને અન્ય યુનિટ્સનો સમાવેશ થાય છે. આ નવી છટણીમાં પણ એમેઝોનના અનેક વિભાગો અસરગ્રસ્ત થશે, જેમાં હ્યુમન રિસોર્સ વિભાગ, ડિવાઇસ અને સર્વિસીઝ વિભાગ,ઓપરેશન્સ ડિવિઝન છે. આ બધાં ક્ષેત્રોમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની યોજના તૈયાર કરવામાં આવી છે.
કંપનીના અસરગ્રસ્ત ટીમોના મેનેજરોને સોમવારે તાલીમ આપવામાં આવી છે કે મંગળવારે સવારે ઈમેલ દ્વારા સૂચનાઓ મોકલાયા પછી તેઓ પોતાના કર્મચારીઓ સાથે કેવી રીતે વાતચીત કરશે.




