અમરનાથ હિમલિંગ યાત્રાના આરંભે જ અર્ધુ ઓગળી ગયું

કરોડો લોકોના આસ્થાના પ્રતીક એવા કાશ્મીરના બર્ફિલા પહાડો વચ્ચે આવેલી અમરનાથ ગુફાના દર્શન માટેની યાત્રા ગત 3 જુલાઈએ શરૂ થઈ હતી. ભાવિકોના ભારે ઉત્સાહ સાથે શરૂ થયેલી યાત્રાને હજુ એકાદ સપ્તાહ જેટલો સમય થયો છે ત્યાં પવિત્ર ગુફામાં હિમલિંગ મોટાભાગનું ઓગળી ગયું હોવાનું અમરનાથ ગુફાના દર્શન કરીને પરત આવેલા ગુજરાતીઓએ જણાવ્યું છે.સમુદ્ર તટથી 13,500 ફૂટની ઊંચાઈએ આવેલા અમરનાથ ગુફાના દર્શન કરવા જવા આ વર્ષે પહેલગામની આતંકવાદી ઘટના બાદ પણ શિવભક્તોમાં અનેરો ઉત્સાહ હતો. આશરે સાડા ત્રણ લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેમાં હજારો ગુજરાતીઓ પણ સામેલ છે. 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી આ યાત્રાનું આયોજન કરાયું છે. આ વર્ષે યાત્રાની શરૂઆતમાં આશરે 12 ફૂટનું પૂર્ણ કદનું હિમલિંગ જોવા મળ્યું હતું. પણ જ્યારે 3 થી 5 જુલાઈમાં દર્શન કરનાર ભાવિકોએ જણાવ્યું કે અમે દર્શન કર્યા ત્યારે માંડ ત્રણ ફૂટનું હિમલિંગ હતું.

રાજકોટ અમરનાથ સેવા સમિતિના આગેવાન અને આ વર્ષે 25મી વખત પવિત્ર અમરનાથની યાત્રા પૂર્ણ કરીને પરત આવેલા જીતુભાઈ લખતરિયા ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે યાત્રાના આરંભે જ શિવલિંગ ઓગળી રહી હતી. આઠ-દસ દિવસ પછી દર્શન કરનારને તો ગુફામાં કદાચ હિમલિંગના દર્શન પણ નહી થાય. આવું થવા પાછળના અનેક કારણો છે. એક મહત્વનું કારણ એ છે કે યાત્રા શરૂ થાય એ પહેલા જ તંત્ર અને અન્ય એજન્સીઓના લોકો મોટી સંખ્યામાં ગુફા નજીક ધસારો કરે છે એટલે માણસોની ગરમીને કારણે હિમલિંગ વહેલું ઓગળી જાય છે. હજારો લોકો કોઈને કોઈ બહાના હેઠળ યાત્રા પહેલા ગુફાએ પહોંચી જાય છે. બીજું ગુફા નજીક મોટી સંખ્યામાં ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં લોકો અહીં રોકતા હોય છે.

અગાઉ પણ યાત્રા હજુ અર્ધી પૂરી ન થઈ હોય ત્યાં હિમલિંગ ઓગળી ગયાનું બન્યું છે. VVIP લોકોના હેલિકોપ્ટર પણ ગુફા નજીક આવી જાય છે. તેની અસર પણ હિમલિંગ પર થતી હોય છે. આમ આ વર્ષે અમરનાથ યાત્રામાં મોડા જનાર લોકોને પવિત્ર ગુફામાં બાબાના દર્શન કદાચ ન થાય અને નિરાશ થવું પડે તેવા સંજોગો ઊભા થાય તેવી શક્યતા છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)