ઉત્તર પ્રદેશ: સમાજવાદી ચિંતક જય પ્રકાશ નારાયણની જયંતી પર રાજ્યની રાજધાની લખનઉમાં રાજકીય માહોલ ગરમાયો છે. JPNICમાં જયપ્રકાશ નારાયણની મૂર્તિ પર માળા અર્પણ કરવાથી રોકવા પર સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે શુક્રવારે જનતા દળ યુનાઇટેડના નેતા નીતિશ કુમારને મોદી સરકારથી ટેકો ખેંચવાની અપીલ કરી છે.શુક્રવારે જ્યારે યુપી સરકારે અખિલેશ યાદવને જેપી કન્વેન્શન સેન્ટર જતા અટકાવ્યા ત્યારે સપાના વડાએ તેમના ઘરમાં સ્થાપિત લોકનાયક જયપ્રકાશ નારાયણની પ્રતિમાને માળા પહેરાવી. અખિલેશ યાદવે કહ્યું હતું કે તેઓ જયપ્રકાશ નારાયણ નેશનલ કન્વેન્શન સેન્ટર (JPNIC)માં પુષ્પાંજલિ અર્પણ કરશે.
સપા ચીફ અખિલેશ યાદવે કહ્યું કે ‘ઘણા સમાજવાદી લોકો સરકારમાં છે અને સરકારને ચલાવવામાં મદદ કરી રહ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જય પ્રકાશ નારાયણ આંદોલનથી ઉભર્યા છે. આ નીતિશ કુમાર માટે તે સરકારથી સમર્થન પાછું લેવાની તક છે, જે કોઈ સમાજવાદીને જયપ્રકાશ નારાયણને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની પરવાનગી આપી રહી નથી.
સમાજવાદી પાર્ટી સુપ્રીમોના નિવેદન પર જેડીયુના પ્રવક્તા રાજીવ રંજને પ્રતિક્રિયા આપતા કહ્યું, “આ નિવેદન ચોંકાવનારું છે. જો અખિલેશ યાદવે લોકનાયક જયપ્રકાશ નારાયણના જીવનના મૂલ્યોનું થોડું પણ સન્માન કર્યુ હોત તો સમાજવાદી પાર્ટી પર એક પરિવારનું પૂર્ણ પ્રભુત્વ હોત નહીં.”
બીજી તરફ ઉત્તર પ્રદેશના ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, “સમાજવાદી પાર્ટી જેપીના માર્ગેથી ભટકી ગઈ છે. જે રીતે તે પીડીએના નામ પર પોતાના પરિવારને પ્રોત્સાહન આપી રહી છે, તેનાથી ખબર પડી જાય છે કે સપા પોતાના રસ્તેથી ભટકી ગઈ છે. આ તેનો રાજકીય નિર્ણય છે અને રાજ્ય અને દેશની જનતા આ જાણે છે.”
