AIએ છીનવી સેંકડો કર્મચારીઓની નોકરી

નવી દિલ્હીઃ દિગ્ગજ ટેક કંપની ગૂગલે ફરી એક વાર પોતાના સેંકડો કર્મચારીઓને છટણી કરી છે. આ છટણી એવા સમયે થઈ છે, જ્યારે ગૂગલ ખર્ચ ઘટાડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર વધુ ધ્યાન આપી રહી છે. કંપનીએ તેના ક્લાઉડ યુનિટમાં ડિઝાઇન સંબંધિત પદો પર કામ કરતા 100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

છટણીની સૌથી વધુ અસર ક્વોન્ટિટેટિવ યુઝર એક્સપિરિયન્સ રિસર્ચ અને પ્લેટફોર્મ એન્ડ સર્વિસ એક્સપિરીયન્સ ટીમો પર પડી છે. આ ટીમો મુખ્યત્વે યુઝર્સના વર્તનને સમજવા, સર્વે અને ડેટા રિસર્ચ કરવા અને તેને પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં સામેલ કરવાનું કામ કરતી હતી. ગૂગલે કેટલીક પરિસ્થિતિઓમાં તો પોતાની ક્લાઉડ ડિઝાઇન ટીમોને અડધી સુધી ઘટાડી દીધી છે. સૌથી વધુ છટણી અમેરિકા સ્થિત કર્મચારીઓમાં થઈ છે. ગૂગલે છટણીમાં આવનાર કર્મચારીઓને ડિસેમ્બર સુધી નવી નોકરી શોધવા માટે સમય આપ્યો છે.

શા માટે થઈ રહી છે છટણી?

ગૂગલે આ પગલું એવા સમયે લીધું છે જ્યારે કંપની ઝડપથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તરફ આગળ વધી રહી છે. વર્ષ 2025ની શરૂઆતથી જ કંપનીએ અમેરિકામાં સ્થિત તેના અનેક યુનિટ્સમાં કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ પેકેજ ઓફર કર્યું છે.

નાની-નાની ટીમોને સંભાળતા મેનેજર્સની છટણી કરવામાં આવી રહી છે. કર્મચારીઓને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાના કામકાજમાં AIને વધુ ઊંડાઈથી સામેલ કરે. ગૂગલે છેલ્લા કેટલાક મહિનાઓમાં HR, હાર્ડવેર, એડ્સ, સર્ચ, ફાઇનાન્સ અને કોમર્સ જેવી અનેક ડિવિઝન્સમાં છટણી અને બાયઆઉટ્સ કર્યા છે.

 સુંદર પિચાઈએ આપ્યો હતો સંકેત

કંપનીના CEO સુંદર પિચાઈએ અનેક વખત કર્મચારીઓને ચેતવણી આપી છે કે જેમ-જેમ અમે સ્કેલ અપ કરી રહ્યા છીએ, અમને પહેલાં કરતાં વધુ કાર્યક્ષમ બનવાની જરૂર છે. તેમના નિવેદનમાંથી સ્પષ્ટ થાય છે કે આ છટણી કંપનીની લાંબા ગાળાની સ્ટ્રેટેજીનો એક ભાગ છે.

ગૂગલ એકમાત્ર એવી ટેક કંપની નથી જે છટણી કરી રહી છે. તે પહેલાં માઈક્રોસોફ્ટે જુલાઈમાં 9000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. તેવી જ રીતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરન્ટ કંપની મેટા, 2023થી જ અનેક તબક્કામાં છટણી કરી રહી છે. ભારતમાં TCSએ પણ તાજેતરમાં આશરે 12,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનો નિર્ણય કર્યો છે, જે તેની કુલ કર્મચારી સંખ્યાનો લગભગ બે ટકા છે.