અમદાવાદ: ત્રણ દિવસની ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’નો શુક્રવારે ઉદ્ધાટન સમારોહ યોજાયો. ગુજરાત પોલો ક્લબ દ્વારા આયોજિત અને અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત, આ ત્રણ દિવસીય ટુર્નામેન્ટ છે. જે સ્કેલ અને પ્રેઝન્ટેશનની રીતે ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી પોલો ઇવેન્ટ છે. 2 થી 4 જાન્યુઆરી દરમિયાન ઈવેન્ટ યોજાવાની છે.
શેલાના ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં ઓપનિંગ સેરેમનીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિશાળ ડાન્સ ગ્રુપનું પર્ફોર્મન્સ અને એક્રોબેટિક ડાન્સ ક્રૂ, ‘વી અનબીટેબલ’એ પણ પર્ફોર્મન્સ આપ્યું હતું. અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર અને ટીમના માલિકો દ્વારા ટુર્નામેન્ટ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
પ્રથમ દિવસની પહેલી મેચમાં જિંદાલ પેન્થર્સનો મુકાબલો મેફેર પોલો સાથે થયો હતો. ત્યારબાદ NAV યુનિકોર્નનો મુકાબલો પુણે વોરિયર્સ સાથે થયો હતો. જ્યારે ત્રીજી મેચમાં KP કિંગ્સનો મુકાબલો અદાણી આર્ચર્સ સાથે થયો હતો.
ગુજરાત પોલો ક્લબના પ્રમોટર અર્પણ ગુપ્તાએ જણાવ્યું કે, “આ ટુર્નામેન્ટમાં પ્રથમ દિવસનો પ્રતિસાદ અત્યંત પ્રોત્સાહક રહ્યો છે અને એણે અમારા વિશ્વાસને મજબૂત બનાવ્યો છે. અમદાવાદ શહેર, પોલોને એક મુખ્ય રમત-ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે અપનાવવા માટે તૈયાર છે.”
ગુજરાત પોલો ક્લબના પ્રમોટર સંજય પાલડિયાએ જણાવ્યું કે, “આજે અમે જે જોયું અને અનુભવ કર્યું, તે ગુજરાતમાં પોલો માટે અભૂતપૂર્વ છે. અમારું ફોકસ એક વલ્ડ-ક્લાસ ટુર્નામેન્ટ રજૂ કરવા પર છે, જે રમતના વારસાનું સન્માન કરવાની સાથે પ્રેક્ષકોને પસંદ પડે એવા સ્તરે પ્રસ્તુત કરવામાં આવી રહી છે. અમદાવાદની સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમ, તેને આ પહેલ માટે એક આદર્શ સ્થળ બનાવે છે.”
આ ટુર્નામેન્ટમાં 30થી વધુ પોલો ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાંથી 25 ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. મેચ ઉપરાંત, આ ઈવેન્ટમાં હેરિટેજ ઇન્સ્ટોલેશન, અશ્વ પ્રદર્શનો, ફેમિલી-ફ્રેન્ડલી ઝોન અને સમગ્ર સ્થળ પર લાઇવ મનોરંજનનો સમાવેશ થાય છે. આગામી બે દિવસ સુધી, મ્યુઝિકલ પર્ફોર્મન્સ ચાલુ રહેશે તેમજ ભવ્ય આતશબાજી, લેસર ડિસ્પ્લે અને પુરસ્કાર વિતરણ સમારોહ સાથે ટુર્નામેન્ટનું સમાપન થશે.


