અમદાવાદ: રિવરફ્રન્ટ પર નવા વર્ષની શરૂઆતમાં જ ઇવેન્ટ સેન્ટરથી ફ્લાવર શો 2026ની શરૂઆત થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં આ વર્ષે જુદા-જુદા ઝોન પાડવામાં આવ્યા છે. લાખો ફૂલોની સુંદરતા અને સુગંધ વચ્ચે જુદા-જુદા ઝોનમાં તૈયાર કરવામાં આવેલા વિવિધ વિષયો સાથે સ્ટ્રક્ચર આકર્ષણનું કેન્દ્ર બનશે. ધાર્મિક, ઉત્સવો, નૃત્ય શૈલી સાથે બુલેટ ટ્રેન અને ઇસરો સહિતના તમામ સ્ટ્રક્ચરને સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યા છે.
ફ્લાવર શો 2026માં 127 જેટલા જુદા-જુદા થીમવાળા સ્ટ્રક્ચર તૈયાર કરાયા છે. 48 પ્રકારના 10 લાખ છોડ મુકવામાં આવ્યા છે. ફ્લાવર શોને સંલગ્ન સ્ટોલની સાથે મુલાકાતીઓ માટે ફૂડ સ્ટોલ તૈયાર કરી મુકવામાં આવ્યા છે.
ફલાવર શો 2026ના જુદા-જુદા ઝોન પર એક નજર કરીએ તો,
ઝોન 1—ઉત્સવોનું ભારત
ફ્લાવર શોની શરૂઆતના જ આ ઝોનમાં દીપોત્સવી, હોળી-ધૂળેટી, ઓણમ, બિહુ જેવા ઉત્સવોને સુંદર રીતે પ્રદર્શિત કરી વિવિધતામાં એકતા ભારત દેશની આ અનોખી પરંપરાઓ રજૂ કરવામાં આવી છે.
ઝોન 2— શાશ્વત ભારત
સમુદ્ર મંથન, ગીતા સાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ, અને રામ સેતુ જેવા પૌરાણિક ધાર્મિક પ્રસંગોને ફ્લાવર શોમાં વિશાળ સ્ટ્રકચર ફૂલોની સુંદરતા વચ્ચે તૈયાર કરી પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
ઝોન 3— કલા, નૃત્ય અને આધુનિક ભારત
ફ્લાવર શોના ત્રીજા ઝોનમાં ભારતની શાસ્ત્રીય તેમજ લોકનૃત્ય પરંપરાની ફૂલોની વચ્ચે અનોખા સ્ટ્રક્ચરમાં જોવા મળશે. કુચિપુડી, ભાંગડા, ગરબા, કથકલી જેવા નૃત્યોને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. આજ વિભાગમાં ભગવાન નટરાજનું વિશાળ સ્ટ્રક્ચર મુકવામાં આવ્યું છે.

ઝોન 4— ભારતની સિધ્ધિઓ
હાઇ સ્પીડ રેલ, ઉર્જામાં નવીનીકરણ, સ્પેસ ટેકનોલોજી, રમતગમત, શિક્ષણ ક્ષેત્રે ભારતે મેળવેલી સફળતાને ફૂલો દ્વારા રજૂ કરવામાં આવી છે.
ઝોન 5— ગિનીસ રેકોર્ડ
આ ઝોનમાં 30 મીટર વ્યાસનું વિશાળ ફૂલ મંડળ તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે સરદાર વલ્લભભાઇ પટેલનું પોર્ટ્રેટ રજૂ કરવામાં આવ્યું છે.
વર્ષ 2025ની 31મી ડિસેમ્બરની છેલ્લી ક્ષણો સુધી મુલાકાતીઓ ફ્લાવર શો 2026ની મજા માણે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુંદર સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે પ્રયત્નશીલ રહ્યું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ- અમદાવાદ)




