ફરીદાબાદમાં 25 વર્ષની યુવતી પર ચાલતી કારમાં ગેંગરેપ

ફરીદાબાદઃ હરિયાણાના ફરીદાબાદમાંથી વાનમાં લિફ્ટ લેનારી 25 વર્ષની એક યુવતી સાથે ચાલતી ગાડીમાં બે વ્યક્તિઓએ કથિત રીતે ગેંગરેપ કર્યો હતો અને ત્યાર બાદ તેને ગુડગાંવ–ફરીદાબાદ રોડ પર ચાલતી વાનમાંથી બહાર ફેંકી દીધી હતી. આ ઘટનામાં યુવતીના ચહેરા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને 12 ટાંકા આવ્યા હતા.

બે શંકાસ્પદોની ધરપકડ

ગાઢ ધુમ્મસની વચ્ચે ફરીદાબાદના સૂમસામ વિસ્તારોમાંથી પસાર થતી વાનમાં યુવતીને લગભગ ત્રણ કલાક સુધી બંધક બનાવી રાખવામાં આવી હતી. યુવતીના પરિવારની ફરિયાદ બાદ, કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે મંગળવારે બે શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધી છે.

પોલીસ ફરિયાદ મુજબ યુવતીનો માતા સાથે ઝઘડો થયા બાદ ઘરેથી નીકળી હતી અને તેણે પોતાની બહેનને જણાવ્યું હતું કે તે એક મિત્રના ઘરે જઈ રહી છે. તેણે એમ પણ કહ્યું હતું કે તે બે-ત્રણ કલાકમાં ઘરે પાછી આવી જશે, પરંતુ બહાર નીકળવામાં મોડું થયું અને અંતે મધરાત થઈ હતી. ત્યાર બાદ યુવતીએ એક વાનમાં લિફ્ટ લીધી હતી. વાનમાં બે પુરુષો હાજર હતા. તેને બેસાડ્યા બાદ તેમણે તેને ઘર લઈ જવાને બદલે ગુડગાંવ–ફરીદાબાદ રોડ તરફ લઈ ગયા હતા.

યુવતીએ મદદ માટે ચીસો પાડી હતી, પરંતુ કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે રસ્તા પર લોકો ઓછી સંખ્યામાં હોવાથી કોઈએ તેની ચીસો સાંભળી ન હતી. પરિવારનો આરોપ છે કે બંને પુરુષોએ વારાફરતી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

પીડિતા ત્રણ બાળકોની માતા

પરિવારજનોએ તેને ફરીદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. પીડિતા પરિણિત છે અને ત્રણ બાળકોની માતા છે. પારિવારિક વિવાદને કારણે તે પતિથી અલગ રહી રહી હતી.