પ્રચારમાં સામ-સામે રહેતાં પક્ષો, અહીં જોવા મળે એક છત નીચે

અમદાવાદ: લોકસભા ચૂંટણીમાં બે તબક્કામાં આવતની લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. જ્યારે ત્રીજા તબક્કામાં આવતી બેઠકો પર દરેક પક્ષના સ્ટાર પ્રચારકો પ્રચંડ બહુમતિ માટે પ્રચાર કરી રહ્યા છે. સભાઓ, રેલીઓ, ભાષણો દ્વારા મતદાન મોટા પ્રમાણમાં થાય એ માટે મથામણ કરી રહ્યા છે. આ સભા, સરઘસ અને રેલીઓ માટે ક્યા પક્ષનું પ્રતિનિધિત્વ કરો છો..? એ બતાવવા ખેસ, ટોપીઓ, ઝંડા, બિલ્લા જેવું પક્ષના નિશાનવાળું ચૂંટણી મટિરીયલ તો જોઈએ.ભારતમાં કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી, સી.પી.આઈ, એ.આઈ.એમ.આઈ.એમ જેવી અનેક નાની-મોટી પાર્ટીઓ જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી અસ્તિત્વ ધરાવે છે. કેટલાંક રાજ્ય અને પ્રાંતમાં સ્થાનિક પાર્ટીઓનો પણ દબદબો છે. આ તમામ પાર્ટીઓના પોતાના ચૂંટણી સિમ્બોલ છે. ચૂંટણી વખતે ટોપીથી માંડી ઝંડા સુધી તમામ સામગ્રી તૈયાર કરાવી પક્ષનો પ્રચાર કરવામાં આવે છે.અમદાવાદમાં ચૂંટણી મટીરીયલ તૈયાર કરતા ઈમરાન ખાન ચિત્રલેખા.કોમને કહે છે અત્યારના આધુનિક ટેકનોલોજીના જમાનામાં સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસાર થાય છે. એમ છતાં આજે દેશના તમામ પક્ષો ચૂંટણીના પ્રચાર માટે ઝંડાથી માંડી ટોપી-ખેસ જેવું મટિરિયલ તૈયાર કરાવે છે. સકારાત્મક રીતે જોઈએ તો કોર્પોરેશનથી માંડી લોકસભા સુધીની તમામ ચૂંટણીઓમાં ઈલેકશન મટિરિયલ બનાવતા લાખો લોકોને રોજગારી મળે છે.

કારણ કોઈપણ ઉમેદવાર કે કાર્યકર પોતાના વિસ્તારમાં જાતે પ્રચાર માટે જાય ત્યારે એમને ખેસ, ટોપી, ઝંડા, બેનર્સ જેવું ચૂંટણી મટિરિયલ તો જોઈએ. આ પ્રચાર સામગ્રી, સિમ્બોલથી જ ખબર પડે કે કઈ પાર્ટીના કાર્યકર્તાઓ છે.શહેરના દાણીલીમડા અને આસપાસના ઔધોગિક વિસ્તારમાં મોટાપાયે ચૂંટણીની સામગ્રી તૈયાર થાય છે. શાહપુર વિસ્તારમાં સિલાઈ, કટિંગ અને પેકિંગના કામ દ્વારા અસંખ્ય લોકો રોજગારી મેળવી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)