ભારત-રશિયા વચ્ચે વર્ષ 2030 સુધી આર્થિક ક્ષેત્રોમાં સમજૂતી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને PM મોદીની હૈદરાબાદ હાઉસમાં થયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યાં હતાં. એ દરમિયાન PM મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની ખૂબ પ્રશંસા કરી હતી. PM મોદીએ કહ્યું હતું કે આજે ભારત અને રશિયાના 23મા શિખર સંમેલનમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરતાં ઘણો આનંદ થયો છે.

તેમણે કહ્યું હતું કે 15 વર્ષ પહેલાં, 2010માં અમારી ભાગીદારીને સ્પેશ્યલ પ્રિવિલેજ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો આપવામાં આવ્યો હતો. છેલ્લા સવા બે દાયકાથી, રાષ્ટ્રપતિ પુતિને પોતાની લીડરશિપ અને વિઝનથી આ સંબંધોને આગળ વધાર્યા છે. દરેક પરિસ્થિતિમાં તેમની આગેવાની અમારા સંબંધોને નવી ઊંચાઈએ લઈને ગઈ છે. હું આ ઊંડી મિત્રતા અને ભારત પ્રત્યેના મજબૂત વચન માટે મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો દિલથી આભાર વ્યક્ત કરું છું.

આતંકવાદ વિરુદ્ધ છે ભારત અને રશિયા: PM મોદી

PM મોદીએ કહ્યું હતું કે ભારત અને રશિયા લાંબા સમયથી આતંકવાદ સામેની લડતમાં ખભેખભા મિલાવીને ઊભા રહ્યા છે. પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો હોય કે ક્રોકસ સિટી હોલમાં થયો કાયરતાપૂર્ણ હુમલો, આ તમામ ઘટનાઓની જડ એક જ છે. ભારતનું માનવું છે કે આતંકવાદ માનવતા પર સીધો હુમલો છે અને તેની સામે વિશ્વભરની એકતા જ આપણી સૌથી મોટી શક્તિ છે. ભારત અને રશિયાનું UN, G20, BRICS, SCO અને બીજા મંચો પર નજીકનો સહકાર છે. અમે આ બધા મંચો પર ચર્ચા અને સહકારને આગળ વધારતા રહીશું.

ભારત-રશિયાની મિત્રતા ધ્રુવ તારાની જેમ

PM મોદીએ કહ્યું હતું કે છેલ્લા આઠ દાયકામાં દુનિયાએ અનેક ઉતાર-ચઢાવ જોયા છે. માનવજાત અનેક પડકારો અને સંકટોમાંથી પસાર થઈ છે અને આ બધાની વચ્ચે ભારત-રશિયાની મિત્રતા ધ્રુવ તારાની જેમ તેજસ્વી રહી છે.

એનર્જી સિક્યોરિટી ભારત-રશિયા પાર્ટનરશિપનો મહત્વપૂર્ણ સ્તંભ

PM મોદીએ જણાવ્યું હતું કે એનર્જી સિક્યોરિટી ભારત-રશિયા પાર્ટનરશિપનો મજબૂત અને અત્યંત મહત્વનો પિલર રહ્યો છે. સિવિલ ન્યુક્લિયર એનર્જીમાં અમારો દાયકાઓ જૂનો સહકાર અમારી સાથોસાથની ક્લીન એનર્જી પ્રાથમિકતાઓને પૂર્ણ કરવામાં બહુ જરૂરી રહ્યો છે. અમે આ વિન-વિન સહકારને આગળ વધારતા રહીશું.

મહત્વપૂર્ણ ખનિજોમાં અમારો સહકાર, વિશ્વભરમાં સુરક્ષિત અને વિવિધ સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરવા માટે અગત્યનું છે. આ ક્લીન એનર્જી, હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ અને નવા યુગની ઇન્ડસ્ટ્રીઝમાં અમારી ભાગીદારીને મજબૂત સપોર્ટ આપશે.

શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં અમારો ઊંડો સહકાર ‘મેક ઇન ઇન્ડિયા’ને મજબૂત કરવાની ક્ષમતા ધરાવે છે. આ આપણી વિન-વિન ભાગીદારીનું એક બીજું ઉત્તમ ઉદાહરણ છે, જે રોજગાર, કુશળતા અને પ્રાદેશિક કનેક્ટિવિટી વધારશે.

વ્લાદિમિર પુતિન શું બોલ્યા?

23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન પછી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને જણાવ્યું હતું કે હું ભારતની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ભારતના વડા પ્રધાન અને અમારા બધા ભારતીય મિત્રોનો રશિયન પ્રતિનિધિમંડળનું ગરમજોશીથી સ્વાગત કરવા બદલ આભાર માનું છું. હું ગઈ કાલે નિવાસસ્થાને ડિનર માટે પીએમ મોદીને ધન્યવાદ આપું છું.

ટ્રેડ એગ્રીમેન્ટ પર પુતિન શું કહ્યું?

રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું હતું કે ગયા વર્ષે આપણા દ્વિપક્ષી વેપારનું ટર્નઓવર 12 ટકાથી વધ્યું, જે એક નવો રેકોર્ડ છે. અમને આશા છે કે આ વર્ષે પણ ટ્રેડ એગ્રીમેન્ટ એ જ શાનદાર સ્તર પર ટક્યો રહેશે.

કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર પુતિનનું નિવેદન

23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને જણાવ્યું હતું કે અમે કુડનકુલમમાં ભારતનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવા માટે એક ફ્લેગશિપ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ. છ રિએક્ટર યુનિટમાંથી બે પહેલાથી જ ગ્રીડ સાથે જોડાઈ ચૂક્યા છે, જ્યારે ચાર અન્યનું નિર્માણ ચાલી રહ્યું છે. પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતા સાથે ચાલશે ત્યારે ભારતની ઊર્જા જરૂરિયાતમાં મોટો ફાળો મળશે, જેથી ઉદ્યોગો અને ઘરોને સસ્તી અને સ્વચ્છ વીજળી મળશે.

અમે સ્મોલ મોડ્યુલર રિએક્ટર, ફ્લોટિંગ ન્યુક્લિયર પ્લાન્ટ અને ન્યુક્લિયર ટેક્નોલોજીના નોન-એનર્જી ઉપયોગ પર પણ ચર્ચા કરી શકીએ છીએ, જેમાં ચિકિત્સા અને કૃષિનો સમાવેશ થાય છે. અમે અમારા ભારતીય ભાગીદારો સાથે મળીને નવા આંતરરાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ રૂટ બનાવવા પર કામ કરી રહ્યા છીએ, જેમાં રશિયા અને બેલારુસથી હિંદ મહાસાગર સુધીનો આંતરરાષ્ટ્રીય નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર પણ સામેલ છે. આ કોરિડોરના વિસ્તરણ સાથે — જેમાં તેનું મુખ્ય લિંક ‘નોર્ધન સી રૂટ’ પણ છે — બંને દેશો વચ્ચે વેપારની મોટા તકો છે.