જામનગર: રાજવી જામસાહેબ જામ શત્રુશલ્યસિંહજી મહારાજ દ્વારા ‘મારી જેટલી અગત્યની સ્થાવર મિલ્કત છે તેને ડેવલપ કરવા અદાણી ગ્રુપને સોંપી છે’… જામનગર ભૂતકાળમાં સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું હતું. અદાણી જૂથ અને જામનગરના રાજવી જામસાહેબના પ્રયાસોથી પુન: આ બિરુદ હાંસલ કરે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી અદાણી પરિવારના સભ્યો અને મેનેજમેન્ટની જામસાહેબની અને જામનગરની મુલાકાતોથી મોટું ડેવલપમેન્ટ આવી રહ્યાની લોકોમાં ચર્ચા હતી.
ગત સપ્તાહ ગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણી જામનગર આવ્યા હતા અને જામસાહેબ સાથે મુલાકાત કરી હતી, જેની તસવીરો વાયરલ થઇ હતી. ત્યારથી જુદી-જુદી વાતો ઉઠતી હતી કે, જામસાહેબ સાથે અદાણી ગ્રુપ કોઇ મોટી યોજનાને આકાર આપશે. દરમ્યાન, એક પત્ર મારફત જામસાહેબ તરફથી આ અંગેની વિગતો જાહેર કરવામાં આવ્યા પછી એ વાતને સતાવાર સમર્થન મળ્યું છે.
જામસાહેબના પત્રમાં જણાવ્યું છે કે “અદાણી સાથે હું ધંધો કરું એ તો કીડી અને હાથી ભેગા થઇને કામ કરે તેના જેવું થાય એટલે સાથે ધંધો કરવાનો કોઇ સવાલ છે નહીં અને સવાલ હોય ન શકે, આમ પણ હું કોઇ ધંધાર્થી વ્યકિત છું જ નહીં.” તેમણે વધુમાં જણાવ્યું છે કે, “ખરી હકીકત તો એ છે કે, અદાણી ગ્રુપને મેં વિનંતી કરી છે કે, હું એમને મારી જેટલી અગત્યની સ્થાવર મિલ્કત છે તેને ડેવલપ કરવા આપુ તો અદાણી જામનગરને ફરી પાછુ પેરિસ ઓફ ઇન્ડિયા બનાવી દે. એમણે મારી આ કલ્પનાને પ્રેમથી સ્વીકારેલ છે. એટલે મે મારી અગત્યની સ્થાવર મિલ્કતો એમને ડેવલપ કરવા સોંપી દીધી છે.
વધુમાં જામસાહેબે સ્પષ્ટતા કરી છે કે, “મે આ મિલ્કતોને વેંચી નથી અને ન્યુનતમ રકમથી ડેવલપ કરવા કાયદેસર રીતે એમને હક્ક આપેલ છે. હવે હું તેવી અપેક્ષા રાખું છું કે, હું મારી અગત્યની સ્થાવર મિલ્કતોનો ભોગ આપું અને અદાણી તેમની કલ્પનાથી અને તેમની ત્રેવડ વાપરી જામનગરને ખૂબ આગળ વધારશે અને સુંદર પણ બનાવશે.” તેવી તેમણે આશા વ્યક્ત કરી છે.
રાજવી પરિવાર પાસે શહેરમાં વાલકેશ્વરી નગરી, પેલેસ ગ્રાઉન્ડ, પીટર સ્કોટ સેંક્ચુરી જેવી પ્રસિદ્ધ લાખો ફૂટ જગ્યા આવેલી છે. ઉપરાંત જિલ્લામાં હજારો એકર જગ્યા આવેલી છે.
        
            

