‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ની સાતમી આવૃત્તિનો ભવ્ય આરંભ

અમદાવાદ: ટોરેન્ટ ગ્રૂપના UNM ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ની સાતમી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ થયો છે. 15 દિવસ ચાલનારો આ કલા મહોત્સવ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, અટીરા અને શ્રેયસ ફાઉન્ડેશન ખાતે યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં 16 રાજ્યોના 45 શહેરોના 140થી વધુ કલાકારો નૃત્ય, સંગીત, રંગભૂમિ, સાહિત્ય અને વિઝ્યુઅલ આર્ટ્સમાં કલાત્મક કૃતિઓ રજૂ કરવાના છે.

પ્રથમ દિવસે દેવિકા શાહ દ્વારા નિર્મિત, નાદિર ખાન દ્વારા દિગ્દર્શિત અને રજિત કપૂર તેમજ સૃષ્ટિ શ્રીવાસ્તવ દ્વારા વર્ણવેલ નૃત્ય-સંગીતમય નાટક “મુંબઈ સ્ટાર”ની પ્રારંભક પ્રસ્તુતિ  ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ અંગે માહિતી આપતા યુ.એન.એમ. ફાઉન્ડેશન ના ચેરપર્સન સપના મહેતા એ જણાવ્યું, “અભિવ્યક્તિ ખાતે, અમારું ધ્યેય કોઈ પણ મર્યાદા વિના કલાને લોકો સુધી પહોંચાડવાનું છે. અમે કલાત્મક અભિવ્યક્તિના સમૃદ્ધ સ્પેક્ટ્રમને રજૂ કરીએ છીએ, જે શૈલીઓ, ભૌગોલિક વિસ્તારો અને પેઢીઓને આવરી લે છે. સાતમી આવૃતિ માટે અમારા આર્ટિસ્ટ કોલને વિવિધ કલાકારો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને ભાગ લેવા માટે દેશભરમાંથી અરજીઓ આવી હતી. કલાના વિવિધ સ્વરૂપોને બંધનોથી મુક્ત રાખીને તેને લોકભોગ્ય બનાવવાના અભિવ્યક્તિના મૂળ વિચારનો આ પુરાવો છે. આ વર્ષની આવૃત્તિ કલાકારો માટે તેમજ કલા પ્રેમીઓ માટે વ્યાપક દ્રષ્ટિએ કલાત્મક અનુભવના નવા સીમાચિહ્નો સ્થાપિત કરશે તેવો મને વિશ્વાસ છે.”

220થી વધુ પ્રસ્તુતિઓ અને 62 વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન્સ
30 નવેમ્બર સુધી ચાલનારી આ આવૃતિમાં પખવાડિયા દરમિયાન 220થી વધુ રજૂઆતો કરવામાં આવશે. ખાસ કરીને નવીન કળાની રજૂઆતો માટે અભિવ્યક્તિ દેશનું એક મહત્વપૂર્ણ મંચ બની રહ્યું છે. ગત આવૃત્તિઓમાં વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન માટે કલા પ્રેમીઓ તરફથી મળેલા પ્રોત્સાહક પ્રતિસાદને કારણે, 7મી આવૃત્તિમાં દેશના વિવિધ ભાગોના કલાકારો દ્વારા 62 સર્જનાત્મક સ્થાપનોનું વિસ્તૃત પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષની આવૃત્તિ કદમાં અને પહોંચમાં નોધપાત્ર રીતે વિશાળ છે. જેમાં ભાગ લઈ રહેલ મોટાભાગના કલાકાર ગુજરાત બહારના છે. જેમ કે સિલચર (આસામ), બાડમેર અને અલવર (રાજસ્થાન), કોચી (કેરલ), રાયપુર (છત્તિસગઢ), ઉજ્જૈન (મધ્ય પ્રદેશ) અને વારણસી (ઉત્તર પ્રદેશ) જેવા દેશભરના વિસ્તારો માંથી કલાકારો ભાગ લઇ રહ્યા છે. જે સાબિત કરે છે કે અભિવ્યક્તિ હવે દેશભરના કલાકારો માટે એક મનપસંદ મંચના રૂપમાં ઉભરી આવ્યો છે. આ એક એવો મંચ છે જેની મદદથી કલાકારો પોતાની મૌલિક અને કલાત્મક અભિવ્યક્તિ માટે વિચાર, રચના, પ્રદર્શન અને ઓળખ પ્રાપ્ત કરી શકે છે.

દર વર્ષની જેમ કલાકારોની પસંદગી એક ચુસ્ત અરજી પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે, જેમાં દરેક ક્ષેત્રના નિષ્ણાંત તરફથી માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં આવે છે. તમામ રચનાઓ તૈયાર કરવાનો ખર્ચ યુ.એન.એમ ફાઉન્ડેશન ઉઠાવીને સર્જનાત્મક સ્વતંત્રતા અને વ્યાવસાયિક સમર્થન સુનિશ્ચિત કરે છે. સાતમી આવૃત્તિમાં ઉભરતી અને પ્રસ્થાપિત થયેલા કલાકારોનો સંગમ થયો છે, જેમાં કેટલાંક જાણીતા નામ જેમ કે, આઈ.એન.જી.એ. (ઇંગા) (નેક્સા મ્યુઝિક સીઝન-2 ના વિજેતા), સૂરજ નામ્બિયાર (કુટીયટ્ટમ), અનીશા ગ્રોવર (ભરતનાટ્યમ), ક્વાસર ઠાકોર પદમસી (નાટક), ક્રાન્તિનારી – સાઉન્ડ ઓફ વુમન (સંગીત) દિવ્યા વારિયર (નુત્ય),  અને દીપેશ વર્મા (સંગીત)નો સમાવેશ થાય છે.

અભિવ્યક્તિની સાતમી આવૃત્તિમાં ભાગ લેવા માટે દેશભરમાંથી 2656 કલાકારોની અરજીઓ (જે ગત વર્ષની તુલનામાં બમણાથી પણ વધુ છે) પ્રાપ્ત થઈ હતી, જે અભિવ્યક્તિની વધતી જતી લોકપ્રિયતાનું પ્રમાણ છે. સાથે જ આ બાબત અભિવ્યક્તિના કલામાં મૌલિક વિચારો અને પ્રયોગશીલતાને પ્રોત્સાહન આપવાના હેતુને પણ સાર્થક કરે છે. દર્શકોની સુલભતા માટે એક સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી દર્શકો પહેલાથી પોતાનું નામ નોંધાવીને સુલભ રીતે પ્રવેશ મેળવી શકે છે. તમામ લોકો માટે પ્રવેશ નિઃ શુલ્ક રહેશે.

‘સ્ટોરીઝ વેઇટિંગ ટુ બી ટોલ્ડ’ ની થીમ હેઠળ સાતમી આવૃત્તિમાં પાંચ પ્રખ્યાત ક્યુરેટર – ગોપાલ અગરવાલ (નૃત્ય), તાપસ રેલિયા (સંગીત), ગુરલીન જજ (થિયેટર), જય ઠક્કર (વિઝ્યુઅલ આર્ટ્સ) અને પ્રીતિ દાસ (સાહિત્ય) દ્વારા ક્યુરેટ થયેલા પ્રદર્શન રજૂ કરવામાં આવશે. કલાકારોને માર્ગદર્શન આપનારા માર્ગદર્શકોમાં કૃતિ મહેશ (નૃત્ય), રજત ધોળકિયા (સંગીત), સૌમ્ય જોશી (નાટક), ખંજન દલાલ (વિઝ્યુઅલ આર્ટ્સ) અને રાજેશ ‘મિસ્કીન’ વ્યાસ (સાહિત્ય)નો સમાવેશ થાય છે.

વર્ષ 2018 માં અભિવ્યક્તિનો પ્રારંભ થયો, ત્યારથી અત્યાર સુધી 600 થી વધુ કલાકારોને મંચ પુરો પાડવામાં આવ્યો છે, તેમ જ 400 થી વધુ પ્રસ્તુતિઓ રજુ કરવામાં આવી છે. આ દરમિયાન 6,00,000 થી વધુ દર્શકોએ કલાના વિવિધ સ્વરૂપોને માણ્યા છે.  આ વર્ષોમાં અભિવ્યક્તિનો મંચ અમદાવાદથી આગળ વધીને સુરત, વડોદરા, રાજકોટ, ભૂજ (કચ્છ) સહિતના શહેરો સુધી વિસ્તર્યો છે અને ઉભરતા કલાકારોને મંચ પુરો પાડ્યો છે તેમજ કલાના વિવિધ સ્વરૂપોને લોકો સુધી નિઃ શુલ્ક પહોંચાડવાનું સુલભ બનાવ્યું છે.