શિંદે-ઉદ્ધવ વચ્ચે શાબ્દિક કશ્મકશ વચ્ચે રાજકીય જંગ

મુંબઈઃ મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને શિવસેના (UBT)પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના 60મા સ્થાપના દિવસ પર એકબીજાથી સંપૂર્ણપણે અલગ દાવા કર્યા હતા. એક તરફ શિંદેએ ટાઈગર, સિંહ, ભસતા કૂતરાઓ અને એક એવા રાજકીય “ટ્રેલર”ની વાત કરી, જેની આખી ફિલ્મ હજુ બાકી હોવાનું કહ્યું હતું. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ કાર્યકરોને ભાવનાત્મક અપીલ કરતાં કહ્યું કે જો તેમનો વિશ્વાસ તેમના પરથી ઊઠી જાય તો તેઓ પદ છોડવા તૈયાર છે. એ સાથે જ તેમણે ચેતવણી આપી કે શિવસેનાને “ચોરો અને ગદ્દારો”ના હાથમાં જવા દેવી નહીં.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (UBT) માટે નવા સંકટ વચ્ચે આ ટકરાવ સામે આવ્યો છે. ચર્ચા છે કે પક્ષના નવ લોકસભા સાંસદોમાંથી છ સાંસદ પ્રતિસ્પર્ધી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાવાની શક્યતા છે. જો આવું થાય તો 2022માં શરૂ થયેલું વિભાજન વધુ ઘેરું બની શકે છે. 2022માં શિંદેએ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કર્યો હતો અને અંતે પાર્ટીના નામ તેમ જ તેના પ્રતીકાત્મક ‘ધનુષ-બાણ’ ચિહ્ન પર કબજો મેળવ્યો હતો.

એકનાથ શિંદેનો સંદેશ

મુંબઈમાં પાર્ટી કાર્યકરોને સંબોધતાં એકનાથ શિંદેએ પોતાના જૂથને બાળાસાહેબ ઠાકરેના રાજકીય વારસાનો સાચો વારસદાર ગણાવવાનો પ્રયાસ કરતાં કહ્યું હતું કે આ તો માત્ર ટ્રેલર છે, આખી ફિલ્મ હજુ આવવાની બાકી છે. આજે તમારી સામે એક ટાઈગર ઊભો છે. કેટલાક કૂતરાઓ ભસતા રહે છે. કાલે પણ ભસશે અને પરમ દિવસે પણ ભસશે. કૂતરાઓ ટોળામાં ભસે છે, પરંતુ સિંહ એકલો આવે છે. ટાઈગર શિકાર કરે ત્યારે પણ કૂતરાઓ ભસે છે અને ટાઈગર ગર્જે ત્યારે પણ કૂતરાઓ ભસતા રહે છે. આ જ છે શિવસેના. આજે આ શિવસેના મહારાષ્ટ્રમાં મજબૂત રીતે ઊભી છે.

ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના શિંદેએ પ્રશ્ન કર્યો હતો કે તેમના વિરોધી જૂથમાંથી નેતાઓ અને કાર્યકરો સતત કેમ છૂટા પડી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો કહે છે કે જો કોઈને જવું હોય તો તેને જવા દો. તેઓ રોજ ભસતા રહે છે. સારું, તેમને જવા દો. પરંતુ હવે તો એવું લાગે છે કે બધા જ જઈ રહ્યા છે. તેઓ કેમ જઈ રહ્યા છે? ઉદ્ધવે થોડું આત્મમંથન કરવું જોઈએ.