બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને તેમની કારકિર્દીમાં એક એવી ફિલ્મ કરી હતી, જે હિન્દીની સાથે અસ્સલ બંગાળી ભાષામાં
પણ શૂટ થઈ હતી. આ ડબલ ધમાકા પાછળનું કારણ એટલું જ રસપ્રદ અને હળવું-ફૂલ હતું!
નિર્દેશક શક્તિ સામંતાએ ફિલ્મ ‘બરસાત કી એક રાત’ (1981)નું આયોજન કર્યું ત્યારે મુખ્ય ભૂમિકા માટે અમિતાભ બચ્ચનની પસંદગી કરી હતી. એક દિવસ તેમણે અમિતાભને મજાકમાં ટોણો મારતાં કહ્યું હતું કે તેમની પત્ની જયા બચ્ચન બંગાળી હોવા છતાં તેમણે ક્યારેય કોઈ બંગાળી ફિલ્મમાં કામ કર્યું નથી. હવે સમય આવી ગયો છે કે તેઓ તેમના સાસરિયાવાળાને બતાવે કે તેઓ પણ બંગાળી ભાષા પર કેવી પકડ ધરાવે છે!
અમિતાભ બચ્ચને પણ આ મજાકને હળવાશથી લીધી અને ફિલ્મ કરવા માટે તરત જ સંમત થઈ ગયા. ફિલ્મના બંગાળી વર્ઝનનું નામ ‘અનુસંધાન’ (Anusandhan) હતું.

શક્તિ સામંત હંમેશાં માનતા હતા કે જ્યારે કોઈ ફિલ્મ મજબૂત સાહિત્યિક કૃતિ પરથી બને છે, ત્યારે તેના પાત્રો આપોઆપ જીવંત અને વાસ્તવિક લાગે છે. ‘બરસાત કી એક રાત’માં પણ વાર્તા પહાડી અને ગ્રામીણ હોવા છતાં કલાકારોના વાસ્તવિક અભિનયને કારણે દર્શકો તેની સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શક્યા હતા.
અમિતાભે એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે ભલે તેઓ કોલકાતામાં નોકરી કરી ચૂક્યા હોય અને જયા બચ્ચન સાથે લગ્ન થયા હોવાથી બંગાળી સંસ્કૃતિની નજીક હોય, પરંતુ પ્રોફેશનલ સ્તરે આખી ફિલ્મમાં શુદ્ધ બંગાળી સંવાદો બોલવા અને તેનું ડબિંગ કરવું તેમના માટે અઘરું હતું.
સેટ પર શક્તિ સામંત અને ફિલ્મના અન્ય બંગાળી ક્રૂ મેમ્બર્સ અમિતાભના ઉચ્ચારો પર ખાસ ધ્યાન આપતા હતા, જેથી બંગાળના પ્રેક્ષકોને ક્યાંય પણ ઉચ્ચારમાં ખામી ન લાગે.
ફિલ્મમાં ક્રૂર વિલન ‘કાલીરામ’નું પાત્ર અમજદ ખાને ભજવ્યું હતું. ‘શોલે’ (1975)ના ‘ગબ્બર સિંહ’ પછી આ ફિલ્મમાં તેમનું પાત્ર એટલું પાવરફુલ હતું કે બંગાળી વર્ઝન ‘અનુસંધાન’ રજૂ થયા પછી ત્યાંના લોકો અમજદ ખાનથી નફરત કરવા લાગ્યા હતા.
નવલકથામાં કાલીરામ અને એસીપી અભિજીત રાય વચ્ચેનો વૈચારિક અને નૈતિક સંઘર્ષ મૂળ લેખક શક્તિપદ રાજગુરુએ ખૂબ જ બારીકાઈથી આલેખ્યો હતો. ફિલ્મના સ્ક્રીનપ્લે રાઇટર સચિન ભૌમિકે જ્યારે આ નવલકથા પરથી સ્ક્રિપ્ટ તૈયાર કરી ત્યારે મૂળ વાર્તાની નૈતિક ગરિમા અને પાત્રોની ઊંડાઈ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું.
આ ફિલ્મની બીજી એક ખાસિયત એ હતી કે તેના ગીતો હિન્દી અને બંગાળી બંને વર્ઝનમાં સુપરહિટ રહ્યા. કિશોર કુમારે ગાયેલું ગીત ‘કાલીરામ કા ખુલ ગયા પોલ’ તે સમયે દેશની ગલી-ગલીમાં ધૂમ મચાવી ગયું હતું.

મજાની વાત એ છે કે બંગાળી વર્ઝન માટે પણ ગીતો કોઈ સ્થાનિક ગાયકો પાસે ગવડાવવાને બદલે ખુદ કિશોર કુમાર અને લતા મંગેશકરે જ ગાયા હતા.
‘બરસાત કી એક રાત’ અને ‘અનુસંધાન’ બંને ભાષાઓમાં એકસાથે શૂટ કરવામાં આવી હતી. બંને વર્ઝનમાં અમિતાભ બચ્ચને એસીપી અભિજીત રાયનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું.
ફિલ્મની મુખ્ય અભિનેત્રી રાખી મૂળ બંગાળી હતા. તેમણે એકવાર જણાવ્યું હતું કે આ ફિલ્મનું શૂટિંગ ખૂબ જ અનોખું હતું. શક્તિ સામંતા એક સીન પહેલાં હિન્દીમાં શૂટ કરતા અને પછી તરત જ એ જ સેટ અને એ જ કોસ્ટ્યુમ સાથે એ જ સીન બંગાળીમાં શૂટ થતો.
રાખીએ બંને ભાષાઓમાં સંવાદોની ડિલિવરી એટલી સહજતાથી કરી હતી કે શક્તિ સામંતા તેમનાથી ખૂબ પ્રભાવિત થયા હતા.
સાસરિયામાં વટ પાડવાની અમિતાભની આ જીદને કારણે જ ‘બરસાત કી એક રાત’ અને ‘અનુસંધાન’ ભારતીય સિનેમાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકાઈ ગઈ છે.






