નવી દિલ્હીઃ શહેરના રિઠાલા વિસ્તારમાં ગુરુવારે ઝૂંપડપટ્ટીમાં લાગેલી ભીષણ આગમાં એક સગીર બાળકીનું મોત થયું છે. એક અધિકારીએ જણાવ્યું કે આ આગમાં 100થી વધુ ઝૂંપડીઓ સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ છે. આગ લાગ્યા પછી બાળકી ગુમ હતી, બાદમાં ફાયર બ્રિગેડના જવાનોએ તેનો સળગેલો મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢ્યો હતો.
અધિકારીઓને આગ લાગવાની જાણ વહેલી સવારે મળી હતી. ગીચ વસ્તીવાળી ઝૂંપડીઓમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ, જેને કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો. લોકો આગની લપેટમાંથી બચવા માટે પોતાની ઝૂંપડીઓ છોડીને બહાર ભાગવા મજબૂર બન્યા હતા.
રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ ઝૂંપડપટ્ટીમાં બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાંથી આવેલા સ્થળાંતરિત મજૂરો રહે છે. તેઓ નજીકની ફેક્ટરીઓ, બાંધકામ સાઇટો અને નાની કંપનીઓમાં દૈનિક મજૂરી કરીને જીવનનિર્વાહ કરે છે. દિલ્હી ફાયર સર્વિસે આગ બુઝાવવા માટે વિશાળ સ્તરે અભિયાન શરૂ કર્યું હતું. આગ પર કાબૂ મેળવવા માટે 18થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ તૈનાત કરવામાં આવી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ ફાયર કર્મચારીઓએ કાટમાળમાંથી 17 વર્ષની બાળકીનો સળગેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

100થી વધુ ઝૂંપડીઓ ખાખ
એક ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે આગની માહિતી મળતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને આગ બુઝાવવાનું કામ શરૂ કર્યું. ત્યાં સુધી આગ અનેક ઝૂંપડીઓને પોતાની ઝપટમાં લઈ ચૂકી હતી.અધિકારીઓના જણાવ્યા મુજબ ઝૂંપડીઓ એકબીજા સાથે ખૂબ નજીક બનાવવામાં આવી હતી. તેમાં પ્લાસ્ટિકની ચાદરો, લાકડાના પટ્ટા અને કપડાં જેવી અત્યંત જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ થતો હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ.
આ વિસ્તારમાં રહેતા બિહારના મજૂર રમેશકુમારે જણાવ્યું હતું તે આગ લાગતાં જ અમે જાન બચાવવા માટે બહાર ભાગ્યા. થોડી જ મિનિટોમાં બધું બળી ગયું — અમારી ઝૂંપડી, કપડાં, પૈસા અને દસ્તાવેજો બધું જ રાખ થઈ ગયું હતું.


