રાજકોટ: બેંક લોન સહિતના અન્ય દેવામાં ડૂબી ગયેલા એક પરિવારના 9 સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં શહેરમાં હડકંપ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર આ એક સોની પરિવાર હતો અને બધાએ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાના અહેવાલ છે. હાલમાં તમામ લોકોની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. પરિવારના લોકોને પ્રાથમિક સારવાર આપી શરીરમાંથી પોઈઝન દૂર કરવા માટેની કામગીરી કરાઈ રહી છે. પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.અને વિગતવાર માહિતી મેળવી રહ્યાં છે.સોની પરિવારને વેપારમાં ફ્રોડ થયું હતું. સોની પરિવારને લગભગ પોણા ત્રણ કરોડના દાગીના મુંબઈના વેપારીને બનાવીને આપ્યા હતા. મુંબઈની પેઢીઓ તેમનાથી સોના-ચાંદીના દાગીના લઈ ગઈ પરંતુ તેનું પેમેન્ટ ન કરતાં આ સોની પરિવાર દેવામાં ગરકાવ થયો હતો. પરંતુ છેલ્લાં લગભગ 11 મહિનાથી આ વેપારીઓ પૈસા આપી રહ્યા ન હતા. સાથે જ પરિવારને ધમકી પણ આપી રહ્યા હોવાથી દેવામાં સપડાયેલા પરિવારે છેલ્લા પગલાં તરીકે ઉધઈ મારવાની દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. બેન્કમાંથી લોન લીધી હોવાને કારણે પરિવાર હપ્તા ભરવા પણ સક્ષમ રહ્યા નહોતો. જેના પગલે દિવસે ને દિવસે વ્યાજ વધતાં દેવું આકાશ આંબી રહ્યું હતું. આ કારણે આખા પરિવારે સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર કુલ 9 લોકોએ આ ઝેરી દવા ગટગટાવી હતી.