બિહારમાં 67.14 ટકા મતદાનઃ રાજ્યમાં કોની બનશે સરકાર?

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન થયું છે. બીજા તબક્કામાં 20 જિલ્લાની 122 વિધાનસભા સીટ માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં ડઝન જેટલા વર્તમાન મંત્રીઓ સહિત કુલ 1302 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં કુલ 3.7 કરોડ મતદાતાઓ પોતાનો મતાધિકાર ઉપયોગ કરશે, જેમાં 1.74 કરોડ મહિલા મતદાતાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કા માટે કુલ 45,399 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં સાંજે પાંચ વાગ્યા સુધી 67.14 ટકા મતદાન થયું હતું. પટનામાં ઉપમુખ્‍યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે બિહારની જનતા NDAને પૂર્ણ બહુમતી અપાવવા માટે કામ કરી રહી છે.

તેજસ્વીના નેતૃત્વમાં સરકાર બનશે — શકીલ અહમદ ખાન

કોંગ્રેસ વિધાનસભા દળના નેતા અને કડવા વિધાનસભા વિસ્તારમાંથી ઉમેદવાર શકીલ અહમદ ખાને કહ્યું હતું કે વર્તમાન સરકાર જશે અને તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનશે તેવી નવી સરકાર બનશે. મહાગઠબંધન બેઠકમાં વધારો કરશે અને સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યાથી વધુ મેળવશે. ભાજપ આગળ વધી શકશે નહીં, કારણ કે બિહારની પ્રજા છેલ્લાં 20 વર્ષથી બેરોજગારી, સ્થળાંતર અને આર્થિક મંદીથી ઝઝૂમી રહી છે.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં CM નીતીશકુમારની આગેવાનીવાળી સરકારના અડધા ડઝનથી વધુ મંત્રીઓ પણ સામેલ છે. બીજા તબક્કામાં 45,399 મતદાન કેન્દ્રો પર મતદાન થશે, જેમાંથી 40,073 મતદાન કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારોમાં છે. કુલ મતદાતાઓમાં 1.75 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે. હિસુઆ બેઠક (નવાડા)માં સૌથી વધુ 3.67 લાખ મતદાતાઓ છે, જ્યારે લૌરિયા, ચનપટિયા, રક્સૌલ, ત્રિવેણીગંજ, સુગૌલી અને બનમંખીમાં પ્રતિસ્પર્ધીઓની સંખ્યા સૌથી વધુ (22-22) છે. પ્રથમ તબક્કામાં 121 સીટો પર મતદાન થયું હતું, જેમાં 65 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.