ઇન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, અનેક શહેરોમાં મુસાફરો હેરાન-પરેશાન

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો સતત ત્રીજા દિવસે ક્રૂની અછતથી ઝઝૂમી રહી છે. તેની અસર દેશભરમાં એરલાઇનના ઓપરેશન પર ગંભીર રીતે જોવા મળી રહી છે. ગુરુવારે દિલ્હીમાં અત્યાર સુધી ઇન્ડિગોની 30થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે. મુંબઈમાં 85 અને હૈદરાબાદમાં 33 ફ્લાઇટ્સ રદ થઈ છે. ત્રણ દિવસમાં 600થી વધુ ફ્લાઇટ્સ પર અસર પહોંચી છે.

ત્રણ દિવસમાં 600થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ

પાઇલટ અને કેબિન ક્રૂની અછત સહિત ઓપરેશનલ મુશ્કેલીઓને કારણે બુધવારે પણ દેશભરમાં સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ હતી, જેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને કોલકાતા જેવાં મોટાં એરપોર્ટ્સ પર મુસાફરોની ભીડ અને ભાગદોડ જોવા મળી હતી. વિમાન ક્ષેત્રનાં સૂત્રો મુજબ છેલ્લા ત્રણ દિવસમાં રદ થયેલી ફ્લાઇટ્સની સંખ્યા 600ને પાર કરી ચૂકી છે.

ઇન્ડિગો એરલાઇન્સના ડ્યૂટી રોસ્ટરમાં ગરબડ

એરલાઇનના કાઉન્ટર પર સ્ટાફની અછતને કારણે મુસાફરોને રિ-બુકિંગ અને રિફંડ માટે પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા મુસાફરો નિરાશ થઈ પોતાની મુસાફરી રદ કરીને પાછા ફરી ગયા હતા. આ મોટા સંકટનું મુખ્ય કારણ પાઇલટ્સનું અચાનક મોટા પ્રમાણમાં બીમાર પડવું અને ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમોને કારણે ડ્યૂટી રોસ્ટરમાં પડેલી ગરબડ છે. મુસાફરોના મોસમી અવરજવરનો ચરમ સમય હોવા છતાં કંપની પાસે તૈયાર પાઇલટ્સની પૂરતી સંખ્યા ઉપલબ્ધ નથી.

DGCA દ્વારા નોટિસ આપી જવાબ મગાયો

આ ઓપરેશનલ નિષ્ફળતા પર નાગરિક ઉડ્ડયન નિયામક સત્તા DGCAએ કડક વલણ અપનાવી ઇન્ડિગોને નોટિસ પાઠવી છે. તેમાં ત્રણ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ કરવાના કારણોનું વિગતવાર સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે. DGCAએ કહ્યું છે કે મુસાફરોને થતી મુશ્કેલીઓ માટે એરલાઇન જવાબદાર છે અને તેને યોગ્ય વળતર આપવું પડશે. કંપની દરરોજ અંદાજે 2300 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે.