દિલ્હીમાં 21 દિવસમાં 1472 લોકો લાપતા

વી દિલ્હીઃ દિલ્હીમાં લાપતા થવાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. દિલ્હી પોલીસના જિપનેટ (ZIPNET)ના આંકડા મુજબ 15 જાન્યુઆરી, 2026 સુધી 997 લોકોના લાપતા થવાની ફરિયાદો નોંધાઈ હતી, જ્યારે ત્યાર બાદના માત્ર 21 દિવસમાં એટલે કે 5 ફેબ્રુઆરી 2026 સુધી આ સંખ્યા વધીને 2469 થઈ ગઈ છે. એટલે કે 15 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે 1472 લોકો લાપતા થયા છે.

આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજધાનીમાં દરરોજ સરેરાશ લગભગ 70 લોકો લાપતા થઈ રહ્યા છે. જોકે દિલ્હી પોલીસનું કહેવું છે કે તમામ ફરિયાદોને ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી 2469 કેસોમાંથી 446 લાપતા લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસનો દાવો છે કે ગયા વર્ષોની તુલનામાં જાન્યુઆરી, 2026 દરમિયાન લાપતા કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

આંકડા શું કહે છે?

દિલ્હી સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સની 2025ની રિપોર્ટ મુજબ વર્ષ 2023માં કુલ 24,381 લોકો લાપતા થયા હતા, જેમાંથી 14,824 લોકોને શોધી કાઢવામાં આવ્યા હતા. તેમાં 6284 સગીર અને 18,197 વયસ્ક હતા. સગીરોમાં 1917 છોકરાઓ અને 4367 છોકરીઓ સામેલ હતી, જ્યારે વયસ્કોમાં 8285 પુરુષો અને 9912 મહિલાઓ લાપતા થઈ હતી.

વર્ષ 2024માં કુલ 24,993 લોકો લાપતા થયા, જેમાંથી 15,260 લોકોને શોધી કાઢવામાં આવ્યા. આ દરમિયાન 5846 સગીર અને 19,047 વયસ્ક લાપતા થયા. સગીરોમાં 1647 છોકરાઓ અને 4199 છોકરીઓ હતી, જ્યારે વયસ્કોમાં 8494 પુરુષો અને 10,553 મહિલાઓ સામેલ હતી. વર્ષ 2025માં જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધી 2469 લોકો લાપતા થયા છે, જેમાંથી 446 લોકોને દિલ્હી પોલીસે શોધી કાઢ્યા છે.

કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો – દિલ્હી પોલીસ

દિલ્હી પોલીસના પ્રવક્તા સંજય ત્યાગીએ જણાવ્યું કે પોલીસ પારદર્શક અને નિષ્પક્ષ અપરાધ રિપોર્ટિંગ નીતિનું પાલન કરે છે. લાપતા વ્યક્તિઓ સંબંધિત તમામ ફરિયાદો તરત નોંધવામાં આવે છે અને તપાસ શરૂ કરવામાં આવે છે. પોલીસે દિલ્હીવાસીઓને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે. હાલ બાળકોના લાપતા થવા અથવા અપહરણ પાછળ કોઈ સંગઠિત ગેંગની પુષ્ટિ થઈ નથી. અફવા ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. લાપતા લોકોને શોધવા માટે દિલ્હીના તમામ જિલ્લાઓમાં સતત ‘ઓપરેશન મિલાપ’ ચલાવવામાં આવી રહ્યું છે.