જખૌ સમુદ્રી વિસ્તારમાંથી 11 પાકિસ્તાની માછીમારોની ધરપકડ

કચ્છ: જખૌ સમુદ્રી વિસ્તારમાંથી 11 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. માછીમારોને કિનારે લાવવાની કાર્યવાહી ચાલુ છે. તેમની પાસે અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. કોસ્ટગાર્ડનું ઓપરેશન ચાલુ છે અને માછીમારોની અટકાયત કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ભારતીય તટરક્ષક દળે અરબી સમુદ્રમાં ભારતીય જળસીમાનું ઉલ્લંઘન કરવા બદલ એક મોટી કાર્યવાહીમાં 11 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે. આ માછીમારોને તેમની બોટ ‘અલ વલી’ (Al Wali) સાથે કચ્છના જખૌ નજીકના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવ્યા હતા. ભારતીય તટરક્ષક દળના નિયમિત પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની ફિશિંગ બોટ ‘અલ વલી’ ભારતીય હદમાં ગેરકાયદે રીતે માછીમારી કરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડે તાત્કાલિક કાર્યવાહી કરીને આ બોટને આંતરી હતી અને તેમાં સવાર તમામ 11 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી હતી.

કોસ્ટગાર્ડની સફળ કાર્યવાહી

આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઝડપી પાડવામાં આવેલી પાકિસ્તાની બોટ અને તમામ 11 માછીમારોને વધુ તપાસ માટે ગુજરાતના જખૌ બંદરે લાવવામાં આવશે. સુરક્ષા એજન્સીઓ માટે સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં પાકિસ્તાની બોટનું પકડાવું એ સુરક્ષાની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ સફળતા ગણાય છે.

વધુ તપાસ હાથ ધરાઈસમગ્ર મામલે કોસ્ટગાર્ડ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા માછીમારોની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ કયા ઇરાદે ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હતા અને તેમની સાથે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ સંકળાયેલા છે કે કેમ. તેમની પાસેથી મળી આવેલા દસ્તાવેજો અને અન્ય સામગ્રીની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

આ પહેલાં ઓગસ્ટમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સે (BSF) ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પાસે આવેલા કોઠી ક્રીક વિસ્તારમાં 15 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને એક એન્જિન લગાવેલી દેશી બોટ જપ્ત કરી હતી. આ તપાસ દરમિયાન મોટી માત્રામાં માછલીઓ, માછલી પકડવાના જાળ, ડીઝલ, બરફ અને ખાવા-પીવાની વસ્તુઓ પણ મળી આવી હતી.