નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બિહારમાં મતદાર યાદી રિવિઝન SIRને મામલે સુનાવણી કરી હતી. કોર્ટે રાજકીય પક્ષોને કહ્યું હતું કે તેઓ SIR દરમિયાન મતદાર યાદીની ડ્રાફ્ટમાંથી બહાર રહી ગયેલા લોકોને મદદ કરે. બિહારમાં SIRને લઈને ઘણો હોબાળો મચી ચૂક્યો છે. વિરોધ પક્ષ સતત આ મુદ્દે અવાજ ઉઠાવી રહ્યો છે. રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ સહિતના ઘણા વિરોધ પક્ષના નેતાઓ SIRના વિરોધમાં યાત્રા કાઢી રહ્યા છે. બિહારમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠએ આ મુદ્દે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે બિહારમાં રાજકીય પક્ષોના 1.60 લાખથી વધુ બૂથ લેવલ એજન્ટ (BLA) છે, પરંતુ ચૂંટણી પંચના કહેવા મુજબ ફક્ત બે જ આક્ષેપો નોંધાયા છે.
બિહારના 65 લાખ મતદારોનું શું થશે?
કોર્ટે રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલા આ તર્ક પર પણ ધ્યાન આપ્યું હતું કે BLAને પોતાના વાંધાઓ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. કોર્ટે તમામ 12 રાજકીય પક્ષોને આદેશ આપ્યો કે તેઓ પોતાના BLAને સૂચના આપે કે તેઓ મતદારોને જરૂરી દસ્તાવેજો ચૂંટણી પંચ પાસે જમા કરવામાં મદદ કરે, જેથી તેઓ મતદાર યાદીમાં સામેલ થઈ શકે. અદાલતએ BLAને કહ્યું હતું કે ડ્રાફ્ટ યાદીમાં સામેલ ન થયેલા 65 લાખ લોકોને પોતાના વાંધાવિરોધ નોંધવામાં સહાય કરે.
આધાર અથવા 11 દસ્તાવેજો સાથે દાવો નોંધવાની મંજૂરી
કોર્ટે SIR દરમિયાન બહાર થયેલા લોકોને પોતાના દાવા નોંધવાની મંજૂરી આપવાનો આદેશ આપ્યો. કોર્ટે જણાવ્યું કે આધાર કાર્ડ નંબર અથવા SIRમાં સ્વીકાર્ય 11 દસ્તાવેજોમાંથી કોઈ એકસાથે દાવો રજૂ કરી શકાય. 65 લાખ લોકો મતદાર યાદીમાંથી બહાર થઈ ગયા હોવાના મામલે રાજકીય પક્ષો આગળ આવીને કોઈ આક્ષેપો નથી કરી રહ્યા એ મુદ્દે સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
