ઇંદોરમાં દૂષિત પાણીથી 10નાં મોત

ઇંદોર: દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઓળખાતા ઇંદોરમાં દૂષિત પાણી પીવાને કારણે અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત થયાં છે. હાલમાં 212 લોકો અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન મધ્ય પ્રદેશના નગર વિકાસ અને આવાસ મંત્રી કૈલાશ વિજયવર્ગીયને ગંદું પાણી પીવાને કારણે થયેલા મોત અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે નકામા પ્રશ્ન ન પૂછો.

વાસ્તવમાં ઇંદોરના ભાગીરથપુરા વિસ્તારમાં થયેલા દૂષિત પીવાના પાણીના કાંડને લઈને પત્રકારો દ્વારા પુછાયેલા પ્રશ્નો પર મંત્રી કૈલાશ વિજયવર્ગીય અચાનક ગુસ્સે થયા અને શબ્દોની મર્યાદા ઓળંગતા કેમેરા સામે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જોકે બાદમાં મંત્રીએ માફી માગી અને પોતાના શબ્દો માટે ખેદ વ્યક્ત કર્યો હતો. ભાગીરથપુરા વિસ્તાર વિજયવર્ગીયના વિધાનસભા ક્ષેત્ર ‘ઇંદોર-1’માં આવે છે. અહીં દૂષિત પાણી પીવાને કારણે ફેલાયેલી ડાયરિયાની બીમારીથી અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત થયાં છે, જ્યારે 212 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 50 લોકો સાજા થયા બાદ રજા આપવામાં આવી છે.દૂષિત પીવાના પાણીના કાંડ અંગે શરૂઆતમાં વિજયવર્ગીયએ પત્રકારોને સંયમ રાખીને જવાબ આપ્યા. પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભાગીરથપુરા વિસ્તારના ઘણા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ચૂકવાયેલા બિલનાં રિફંડ મળ્યાં નથી અને વિસ્તારના નાગરિકો માટે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી, ત્યારે તેઓ અચાનક ગુસ્સે થયા હતા.

મધ્ય પ્રદેશના ઇંદોર શહેરના પાઈપલાઇન લીકેજને કારણે ગટરના પાણી પીવાના પાણીમાં મિશ્રિત થઈ ગયું, જેના કારણે ઊલટી-ઝાડાની મહામારી ફેલાઈ. અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત થયા છે, જ્યારે 2000થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. તેમાંના સેકડો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મુખ્ય મંત્રી ડો. મોહન યાદવે મામલાને ગંભીરતાથી લઈ તપાસ કમિટી રચી છે અને ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે તથા એક અધિકારીને નોકરીમાંથી બરતરફ કર્યો છે. અસરગ્રસ્તોના ઈલાજનો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે અને ટેન્કરો દ્વારા સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.