ગુનાહ-બેગુનાહ અને બંધ-પ્રતિબંધ…

એક તરફ મુંબઈ-ગુજરાત તથા અન્ય પ્રાંતમાં, ઘરોઘરમાંથી રિદ્ધિસિદ્ધિના દેવતાના આગમનની ખુશીનો માહોલ છે, ગણેશજીનાં ભજન-આરતીના સૂર સંભળાઈ રહ્યા છે તો બીજી તરફ, સોશિયલ મિડિયા પરથી ફરી એક વાર “પ્રતિબંધ કરો પ્રતિબંધ કરો”નો ઘોંઘાટ ચાલી રહ્યો છે. એક યા બીજા કારણસર ફિલ્મોનો, કલાકારકસબીનો બૉયકૉટ કરવાની જાણે એક ફૅશન ચાલી પડી છે. 47 વર્ષ પહેલાં આવેલી ‘શોલે’નો પણ પ્રતિબંધ કરવાની માગ ઊઠી છે. વેરી ફની.

બહરહાલ, ગયા સપ્તાહના ‘ચિત્રલેખા’ના અંકમાં જાતજાતના બંધ-પ્રતિબંધ વિશેની તારીખ અને તવારીખ વિશેની એક માહિતીપ્રદ કવર સ્ટોરી અમે પ્રકાશિત કરી. એમાં ઉલ્લેખ છે કે 1921માં મૂક ફિલ્મ ‘ભક્ત વિદુર’ આપણે ત્યાં બૅન થયેલી પહેલી ફિલ્મ હતી. એ કાળમાં બહુધા ધાર્મિક કારણોસર ફિલ્મ સામે વાંધાવચકા-વિરોધ થતા. જો કે ધાર્મિક કે રાજકીય કારણ સિવાય કોઈ ફિલ્મને અચાનક થિએટરમાંથી ઉતારી લેવામાં આવી હોય એવો એક રસપ્રદ કિસ્સો જાણવા મળે છે. એક એવી ફિલ્મ, જેને સિનેમાપ્રેમીઓએ ખૂબ પસંદ કરી હોય, સુપરહીટ થઈ હોય.

 

ફિલ્મ હતીઃ 1957માં આવેલી, નરેન્દ્ર સુરી દિગ્દર્શિત ‘બેગુનાહ.’ અનુપચંદ શાહ અને મહિપત શાહ દ્વારા નિર્મિત આ ફિલ્મના કલાકાર હતાઃ કિશોરકુમાર, શકીલા, મુબારક, રાધાકિશન, કૃષ્ણકાન્ત, ટુનટુન, હેલન, મહેમૂદ વગેરે. ફિલ્મમાં શંકર-જયકિશનનું સંગીત તો હતું જ, જયકિશને એમાં એક નાનકડી ભૂમિકા પણ ભજવેલી. કથા-પટકથા આઈએસ જોહરે લખેલી.

રિલીઝ થઈને 13-13 અઠવાડિયાં ચાલેલી આ ફિલ્મ પરના પ્રતિબંધનો કિસ્સો ફિલ્મ-રંગભૂમિના બહેતરીન કલાકાર અને દિગ્દર્શક કૃષ્ણકાંત (કેકે) પોતાની આત્મકથા ‘ગુઝરા હુઆ ઝમાના’ (સંપાદકઃ બીરેન કોઠારી)માં નોંધે છે કે ‘બેગુનાહ’ એ 1954માં આવેલી અમેરિકન ફિલ્મ ‘નૉક ઑન વૂડ’ નામની ફિલ્મની બેઠ્ઠી નકલ હતી. ‘નૉક ઑન વૂડ’નો હીરો હતો ડેની કે. મૂળ અમેરિકન ફિલ્મ ડિસ્ટ્રિબ્યૂટ કરનાર ‘પેરેમાઉન્ટ પિક્ચર્સ’ના ધ્યાન પર આ હકીકત આવતાં એણે ‘બેગુનાહ’ અને એના સર્જકો સામે કોર્ટમાં કેસ ઠોકી દીધો.

-અને કૉર્ટનો ચુકાદો ‘પેરેમાઉન્ટ પિક્ચર્સ’ની તરફેણમાં આવ્યો. ‘બેગુનાહ’ મુંબઈના ‘સ્વસ્તિક’ સિનેમામાં ૧૩મા અઠવાડિયામાં ચાલી રહી હતી, પણ ચુકાદાના પરિણામે તેને પ્રતિબંધિત કરવામાં આવી અને ફિલ્મની નેગેટિવ્સ ‘પેરેમાઉન્ટ પિક્ચર્સ’ને સોંપી દેવી પડી. અંગ્રેજી ફિલ્મોની વાર્તાઓ પરથી હિંદી ફિલ્મો કે નાટકો બનતાં રહેવાની નવાઈ નથી, પણ નકલ માટે મૂળ કંપની દ્વારા કોર્ટમાં કેસ થાય અને ફિલ્મ પર પ્રતિબંધ આવે એવો તે વખતે બનેલો કદાચ આ એક બેજોડ કિસ્સો હતો.

ગમ્મત એ કે આ ઘટનાના થોડા જ સમય પછી ડિરેક્ટર જ્ઞાન મુખરજીએ હોલિવૂડની ફિલ્મ ‘અ અ સ્ટાર ઈઝ બોર્ન’ (૧૯૫૪) પરથી કથા-પટકથા તૈયાર કરીને ‘સિતારોં સે આગે’ (1958) બનાવવાની યોજના ઘડી. પ્રોડ્યુસર હતાઃ મદ્રાસની જંગી નિર્માણસંસ્થા ‘નારસુ સ્ટુડિયોઝ.’ અશોકકુમા૨, વૈજ્યંતીમાલા, લીલા મિશ્રા, જૉની વોકર, શમ્મી, કૃષ્ણકાન્ત, કુંદન, વગેરેને ચમકાવતી આ ફિલ્મનું મદ્રાસમાં પંદર-વીસ દિવસ શૂટિંગ થયું, પણ એ પછી જ્ઞાન મુખરજીની તબિયત બગડી અને એમનું અવસાન થયું. ત્યાર બાદ સત્યેન બોઝે ‘સિતારોં સે આગે’ પોતાની રીતે બનાવી, પણ ચાલી નહીં. નસીબજોગે હોલિવૂડવાળાઓને આનો કંઈ અણસાર આવ્યો નહીં, અન્યથા વધુ એ ફિલ્મ કોર્ટકેસ ને પ્રતિબંધના વમળમાં ફસાઈ જાત.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]