બદ્રીનાથના ‘વસુધારા ધોધ’નું આકર્ષણ; એનું પાણી ‘પાપી લોકોને સ્પર્શ કરતું નથી’

ઉત્તરાખંડ રાજ્યના બદ્રીનાથ ક્ષેત્રમાં મુલાકાત લેવા જેવું એક રોમાંચક સ્થળ છે વસુધારા વોટરફોલ્સ. આ ચમત્કારિક હોવાનું મનાય છે, કારણ કે એનું પાણી પાપી લોકોને સ્પર્શતું નથ. જેવી કોઈ પાપી વ્યક્તિ એના સ્પર્શમાં આવે કે પહાડની ટોચ પરથી ધોધનું પાણી નીચે પડતું અટકી જાય છે. માનવામાં ન આવે એવી વાત છે, પરંતુ સાચી છે.

ઉત્તરાખંડ દેવભૂમિ તરીકે પ્રખ્યાત છે. અહીંની નદીઓ, પહાડો, પાણીના ધોધ, ધાર્મિક સ્થળો – બધું જ ભવ્ય તથા અનોખો ઈતિહાસ ધરાવે છે. વસુધારા ધોધ દરિયાઈ સપાટીથી 13,500 ફૂટની ઊંચાઈએ આવેલો છે. તે બદ્રીનાથ ધામથી 8 કિલોમીટરના અંતરે આવેલો છે.

આ ધોધનું પાણી 400 મીટરની ઊંચાઈએથી નીચે પડે છે અને નીચે પડતું પાણી મોતી જેવું પ્રતીત થાય છે. અહીં આવીને લોકોને જાણે સ્વર્ગમાં આવ્યાની લાગણી થાય છે. કહેવાય છે કે, આ ધોધના પાણીનું એક ટીપું પણ જો વ્યક્તિ પર પડે તો એ વ્યક્તિ પવિત્ર આત્મા છે.

દેશ-વિદેશમાંથી અનેક શ્રદ્ધાળુઓ આ સ્થળે આવે છે અને ધોધ નીચે ઊભાં રહે છે. વસુધારા ધોધનું પાણી જો વ્યક્તિ પર પડે તો એ તંદુરસ્ત બની જાય છે. આ પાણી કુદરતી વનસ્પતિઓ અને ઔષધિ તત્ત્વોથી સમૃદ્ધ હોવાનું કહેવાય છે.

દંતકથા એવી છે કે પાંડવો અને એમના પત્ની દ્રોપદી આ જ માર્ગેથી સ્વર્ગ તરફ આગળ વધ્યાં હતાં. સહદેવનું આ જ સ્થળે નિધન થયું હતું અને અર્જુને એમનું ધનુષ ‘ગાંડીવ’ દેવતાઓને પરત કરી દીધું હતું.

વસુધારા ધોધ માટેનો ટ્રેક રસ્તો માના ગામથી શરૂ થાય છે. સરસ્વતી મંદિર પાર કર્યા બાદ આકરું ચઢાણ શરૂ થાય છે. રસ્તો પથરાળ અને કઠિન બની જાય છે. માટે જ પાંચ કિલોમીટરનું અંતર પૂરું કરતા બે કલાક જેટલો સમય લાગી જાય છે. આ માર્ગ પર પાણી કે ખાવાની ચીજવસ્તુઓની સુવિધા નથી.