કેન્દ્રએ તેલની કિંમતો પર નિયંત્રણ રાખવા સમિતિની રચના કરી

નવી દિલ્હીઃ દેશમાં ખાદ્ય પદાર્થોની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે કેન્દ્ર સરકારે આ ચીજવસ્તુઓની કિંમત પર અંકુશ રાખવા માટે અને દેખરેખ રાખવા માટે આંતર મંત્રાલયની સમિતિની રચના કરી છે. આ સમિતિ સ્થાનિક કિંમતો પર, કૃષિ ચીજવસ્તુઓના પુરવઠો અને એની સપ્લાય ચેઇન ખાસ કરીને ખાદ્ય તેલના પુરવઠા પર પણ નજર રાખશે અને દરોડા પણ પાડશે.

આ ઉપરાંત સરકારે ખાસ ટીમની રચના કરી છે, જે એસેન્શિયલ કોમોડિટી એક્ટ હેઠળ ખાદ્ય તેલોના પ્રોસેસરો અને ટ્રેડર્સને ત્યાં અચાનક તપાસ કરશે, જેથી બજારમાં થતા કૃત્રિમ ભાવવધારાને અટકાવી શકાયચ કેન્દ્રીય ફૂડ સચિવ સુધાંશુ પાંડેની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી હતી, જેણે સ્થિતિની સમીક્ષા કરી હતી અને સમિતિના સભ્યો અગ્રણી ઓઇલ પ્રોસેસિંગ એસોસિયેનના પ્રતિનિધિઓને મળ્યા હતા. વળી, કેન્દ્ર સરકાર ખાદ્યતેલની કિંમતો પર ચાંપતી નજર રાખી રહી છે, એમ ગ્રાહકોને લગતી બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં ખાદ્ય તેલનો અંદાજે 21 લાખ ટનનો જથ્થો છે, જે મે મહિના માટે પર્યાપ્ત છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. વળી, 15 લાખ ટન આયાતી ખાદ્ય તેલનો જથ્થો આ મહિનામાં આવી પહોંચશે, એમ ડેટા કહે છે. દેશની બે તૃતીયાંશ ખાદ્ય તેલની જરૂરિયાત આયાત દ્વારા સંતોષાય છે. હાલમાં ઇન્ડોનેશિયાએ પામ તેલની નિકાસ પર પ્રતિબંધ મૂકતાં ખાદ્ય તેલની કિંમતોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. વળી, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે પુરવઠા સાંકળ ખોરવાવાને કારણે પણ કિંમતોમાં વધારો થયો હતો.